ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના શિક્ષકો દ્વારા નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની રજુઆત બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના શિક્ષકો તથા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાના સમર્થનમાં ધારાસભ્યને આવેદનપત્ર આપી શિક્ષકોની રજૂઆત સરકારમાં પહોંચાડવા જણાવ્યું હતુ. આવેદનપત્રમાં જણાવાયા મુજબ તા.૧ એપ્રિલ ૨૦૦૫ થી નવી પેન્શન યોજનાનું અમલીકરણ થતા શિક્ષકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. પ્રતિ માસ જીવન નિર્વાહ કરવા પૂરતું પણ પેન્શન નવી પેન્શન યોજના અંતર્ગત મળવાપાત્ર નથી થતુ. વધુમાં જણાવાયા મુજબ જ્યારે ત્રીસ-પાંત્રીસ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થતાં પોતાના પરિવાર સાથે સુખચેનની જિંદગી જીવવા માટેનો હક્ક ખોઇ લાચાર ન બને તે માટે તમામ શિક્ષકોની જેમ જ જૂની પેન્શન યોજનાના હકદાર છે. જૂની પેન્શન યોજનાના અમલીકરણ માટે સરકાર વિચારણા ન કરે તો આવનારા દિવસોમાં અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા જે પણ કાર્યક્રમો થશે તેમાં ગુજરાતના તમામ શિક્ષકો જોડાશે. શિક્ષકોની લાગણી અને માંગણી સાથેનું આવેદનપત્ર ધારાસભ્યએ સ્વીકારીને સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. આવેદનપત્ર આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના ઉપપ્રમુખ બચુભાઈ વસાવા ,ઝઘડીયા તાલુકા સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ વસાવા, તાલુકા સંઘના પ્રમુખ નિલેશભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ