આજરોજ તારીખ 20-09-2021 ના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઑફિસરને ભરૂચ એઆઇએમઆઇએમ ના શહેર પ્રમુખ, વોર્ડ નંબર 10 ના નગરસેવક અને બજારના વેપારી મળીને ભરૂચ શહેર નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડ રસ્તાઓની સમસ્યાને લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10 ના તમામ રસ્તાઓ ચોમાસા દરમિયાન બિસ્માર હાલતમાં થઈ ગયા છે જેથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તે સાથે વોર્ડ નંબર 10 ના ચાર રસ્તા, ગાંધીબજારથી ફાટાતળાવના રસ્તાનું અને ડ્રેનેજ લાઇનનું કામ હાલ ચોમાસાને કારણે બંધ કરવામાં આવ્યુ હતું જેને તાત્કાલિક ધોરણે શરૂ કરી અને તે કામગીરી પૂર્ણ કરવાની માંગ કરતું આવેદન નગરપાલિકાને નગરસેવક અને બજારના વેપારી દ્વારા આપવામાં આવ્યું હતું. રસ્તાઓ અને ડ્રેનેજની વધતી જતી અસુવિધાઓને કારણે લોકોને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અવારનવાર રજુઆત બાદ પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
જો તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો AIMIM દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન હાથ ધરવામાં આવશે.