ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર અને ડી.પી તોડી તેમાથી ધાતુ વહેચી મારતી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય થઇ હોય તેમ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં અવારનવાર ચોરીઓના નોંધાતા બનાવો ઉપરથી કહી શકાય તેમ છે, પહેલા અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં અને હવે આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે.
અમોદ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઇખર ગામની સીમમાં કોઇક અજાણ્યા ઈસમોએ જીઈબી ના ડી.પી ને તોડી તેમાંથી ધાતુની વસ્તુઓ ચોરી કરી અંદાજીત DGVCL ને રૂપિયા દશ હજારનું નુકશાન કરવામાં આવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, આમોદ પોલીસ દ્વારા જીઈબી અધિકરીઓની ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વની બાબત છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ચોરીઓના બનાવો બનતા અને ડી.પી જેવી વસ્તુઓને નુકશાની થતા અથવા તો તોડી પાડવામાં આવતા તેના થકી ચાલતી ખેડૂતોની કામગીરી ઉપર પણ અસર થાય છે, ડી.પી તૂટી જવાના કારણે ખેડૂતો મોટર થકી પાણી અથવા તો અન્ય પ્રવૃત્તિ વિજળી વગર કરી શકતા નથી જેથી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા તત્ત્વો ને તાત્કાલિક ધોરણે કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.