તાજેતરમાં જ રાજ્ય સરકારમાં ભારે ઉલટફેર જોવા મળ્યા હતા, જેમાં નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું હતું, જે બાદ મંત્રી મંડળમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, સાથે સાથે મુખ્યમંત્રી કાર્યલયના વહીવટી વિભાગમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
આજરોજ ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડો.એમ ડી મોડિયાની નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિમણૂક કરવામાં આવતા ભરૂચ કલેક્ટરની બદલી થઇ હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની હતી અને ડૉ.એમ.ડી મોડિયાને પ્રમોશન રૂપી શુભેચ્છાઓ પણ અગ્રણીઓએ પાઠવી હતી.
મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લાના વર્તમાન કલેક્ટર ડો.એમ ડી મોડિયા અને ભરૂચમાં જ ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ કલેક્ટર અવંતિકા સિંઘની સેક્રેટરી તરીકેની નિમણુક કરવામાં આવતા આમ ભરૂચ જિલ્લામાં ફરજ પર રહેલા બે જેટલા IAS ઓફિસરો હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં આગામી દિવસોમાં ફરજ નિભાવતા જોવા મળશે તેવી માહિતી સામે આવી રહી છે.