ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ આ વર્ષે ટેસ્ટ મેચની જેમ જોવા મળી હતી. શરૂઆતના તબક્કામાં ધોધમાર વરસાદી માહોલ જામતા ધરતી પુત્રો અને જિલ્લા વાસીઓમાં આ વર્ષે ચોમાસુ સારું જશે તેવી આશ બંધાઈ હતી. જોકે અધવચ્ચે વરસાદી માહોલ એ લાંબો વિરામ લેતા ધરતી પુત્રો અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં ડેમો પણ નિર્ભર લોકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.
જોકે લાંબા વિરામ બાદ ફરીથી સપ્ટેમ્બર માસના ચાલુ સપ્તાહમાં મેઘરાજાએ વરસવાનું શરૂ કરતાં ધરતી પુત્રો અને જિલ્લા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે, ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકાઓમાં ૧૬૦ મી.મી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં ૬૦ મી.મી વરસાદ નોંધાયો હતો તેમજ ઝઘડિયામાં ૨૯ મી.મી., વાગરામાં ૨૫ મી.મી, ભરૂચમાં ૨૨ મી. મી સહિત અંકલેશ્વર વાલિયા, જંબુસર જેવા તાલુકામાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો.
મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ૩ જેટલા ડેમોમાં પણ જળ સપાટી વધતા સ્થાનિકો અને ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી રહી છે, અને ત્રણેય ડેમો ઓવરફ્લોથી માત્ર ૩ થી ૫ મીટર દૂર હોવાની માહિતી સામે આવી છે, જેમાં બલદવા ડેમની જળ સપાટી ૧૩૭.૭૦ મીટર ધોલી ડેમની જળ સપાટી ૧૩૪.૧૦ મીટર અને પિંગુટ ડેમની જળ સપાટી ૧૩૬.૬૦ મીટર જેટલી નોંધાવા પામી છે.
આમ જિલ્લા સિઝનનો કુલ વરસાદ ૫૦℅ ને પાર પહોંચ્યો છે તો બીજી તરફ નેત્રંગ પંથકના ડેમોમાં વધેલી જળ સપાટી અને નર્મદા સરદાર સરોવર ડેમમાં પણ ધીમીધારે વધતા જળ સ્તરે થોડા સમય અગાઉ વરસાદી માહોલના વિરામ બાદ લોકો વચ્ચે ચર્ચામાં આવેલ જળ કટોટીની વાતો ઉપર પૂર્ણ વિરામ મુક્યો છે.