બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહન પાર્ક કરી ૩ થી ૪ વાહન ચાલકો બ્રિજનો નજારો નિહાળી રહ્યા હતા, તે જ દરમિયાન અંકલેશ્વર તરફથી આવતી એક પીકઅપ વાહન ચાલકની બ્રેક ફેઇલ થતા રોડ સાઇડ પાર્ક કરેલ વાહનોમાં ઘુસી જતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અચાનક બનેલ ઘટનાના પગલે વાહન ચાલકો અને પિકઅપ ચાલક વચ્ચે થોડા સમય માટે તુ તુ મૈં મૈં ના દ્રશ્યોનું નિર્માણ થયું હતું. જોકે ઉપસ્થિત લોકોના સમજાવટ બાદ સમગ્ર મામલો શાંત પડયો હતો અને બંને પક્ષને સમજાવી લોકોએ છુટા પાડ્યા હતા.
મહત્વની બાબત છે કે ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકાયા બાદથી લોકો તેને જોવા માટે રાત્રીના સમયે પોતાના વાહનો લઈને ઉમટી પડતા હોય છે અને વાહનો પણ રોડ સાઈડ પર જ પાર્ક કરી બ્રિજ નિહાળી આનંદ લેતા હોય છે જેના પગલે કેટલીક વાર ટ્રાફિક જામ તો કેટલીક વાર અકસ્માત જેવી ઘટનાઓ પણ સામે આવતી જોવા મળી રહી છે, જે બાબતે તંત્રએ પણ હવે એકશનમાં આવી બ્રિજ પર પાર્ક થતા વાહન ચાલકો સામે લાલ આંખ કરવાની તાતી જરૂરિયાત જણાઈ આવે છે.