ભરૂચ જિલ્લામાં એક જ મુશળધાર વરસાદે નેશનલ હાઇવે 48 ઉપર NHAIની પોલ ખોલી નાખી છે. વરસાદના આટલા દિવસના વિરામ વચ્ચે તંત્રને કોઇ જ પ્રકારની કામગીરી કરી ન હતી. હાલ મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ફરી હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ચોમાસાના પ્રારંભે સર્જાયેલી ટ્રાફિકજામની સમસ્યા ફરી એક જ વરસાદમાં વિકરાળ બની છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ ખાડાઓ પુરવાની કામગીરી કરતા વાહન ચાલકોની હાલાકી ચક્કાજામ વચ્ચે બેવડાઈ ગઈ હતી.
હાઇવે ઉપર ચોમાસામાં ઠેર ઠેર પડતા ખાડા અને તેના પગલે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા NHAI દ્વારા સમયાંતરે સમારકામ થતું નહિ હોવાથી વરસાદ સાથે જ વકરે છે. નવા સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધી ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે વડોદરાથી સુરત સુધી લેનમાં નબીપુર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે . હાઇવે પર 12 કિલોમીટર સુધી ચક્કાજામના કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા . ચોમાસાના પ્રારંભે પણ ભરૂચ નજીક હાઇવે ઉપર આ જ સ્થિતિ જોવા મળી હતી. ત્યારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાહન ચાલકો પાસેથી લાખોનો ટોલ ટેક્સ વસુલતી હાઇવે ઓથોરિટી રસ્તાને દુરસ્ત રાખવામા ઉણી ઉતરી રહી હોવાની લાગણી વાહન ચાલકો વ્યકત કરી રહ્યાં છે. હાઈવેની દુર્દશાના કારણે હજારો વાહન ચાલકોના માનવ કલાકો વેડફાવા સાથે ઇંચણનો પણ વ્યય થઈ રહ્યો છે. સમયસર માલની ડિલિવરી નહિ થતા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ વિપરીત અસર થઈ રહી છે.