ભરૂચ અને વડોદરા જિલ્લાના કપાસ, તુવેર સહિતના ખેતી પાકોમાં વાયુ પ્રદૂષણથી વિકૃતિના કારણે પાક નાશ થવાથી વળતર ચૂકવવા અગાઉ અનેક રજૂઆતો જિલ્લા કલેક્ટરશ્રી ભરૂચ અને વડોદરા મારફત સરકારમાં સ્થાનિક કક્ષાએથી કરવામાં આવી છે. અનેક ખેડૂતોને અને કોંગ્રેસ સંગઠનના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ મુખ્યમંત્રી-ગુજરાત રાજ્યને રૂબરૂ અને પત્રો મોકલીને ઉપરોક્ત બાબતે રજૂઆતો થઈ છે.
કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરોલાના જણાવ્યા પ્રમાણે, અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક એડહોક સહાયના ભાગરૂપે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા ચૂકવવા તેમજ સર્વે પૂર્ણ થયા બાદ એક લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવાની માંગણી કરાઇ હતી. ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેકટર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. પરંતુ આજદિન સુધી એડહોક કે સંપૂર્ણ સહાય અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ડાયગ્નોસિસ ટિમ દ્વારા પ્રાથમિક અહેવાલમાં જણાવ્યા મુજબ આ વિકૃતિ આવવાનું કારણ સ્થાનિક ઔદ્યોગિક એકમોમાંથી છોડાતા ગેસ અને હવામાં રહેલી 24D ની હાજરીના કારણે ખેતી પાકોમાં નુકસાન થયેલ છે.
ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક રજૂઆતોના પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા ચકાસણી અર્થે કાર્યવાહીઓ કરવામાં આવેલ હતી. સદર કાર્યવાહીને એક મહિનો થઈ જવા છતાં આજદિન સુધી જીપીસીબીના અધિકારીઓએ રિપોર્ટ જાહેર કર્યો નથી. દહેજ, અંકલેશ્વર અને પાનોલી જેવી ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણ ઓકતા ઉધોગોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પરથી ફલિત થાય છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લેવા માંગતી હોય એવું લાગતું નથી. આ બાબતે કોગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ માન. મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને પોતાના નિષ્ફળ ગયેલા પાકનું વળતર તાત્કાલિક અસરથી ચુકવવા આદેશ થાય તેમજ પ્રદૂષણ ઓકતા એકમોને તાત્કાલિક ક્લોઝર આપવામાં આવે એવી ફરીથી માંગણી કરી છે.