ભરૂચ અને તેની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વસાહતોથી ઘેરાયેલો છે ત્યારે દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારોની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે ચાલતા આંદોલનના આજરોજ લગભગ 70 માં દિવસે ભરૂચ અને તેની આસપાસના 70 ગામના સરપંચોએ કામદારો વેલસ્પન કંપનીના કર્મચારીઓની તરફેણમાં આવી અને તેમની મદદે આંદોલનમાં જોડાયા છે.
કામદારોની વ્હારે શુક્રવારે જિલ્લાના 70 ગામના સરપંચોએ આવી કંપની બહાર ન્યાય માટે લડત ચલાવતા કામદારોને પોતાનો ટેકો જાહેર કર્યો છે. દહેજની વેલસ્પન કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર અને છુટા કરી દેવાયા બાદ કર્મચારીઓ દ્વારા છેલ્લા 70 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેઓની વ્હારે અગાઉ સાંસદ, વાગરા ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ આવ્યા છતાં સમસ્યાનો ભેદ ઉકેલાયો નથી.
દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા કોરોના મહામારી બાદ કર્મચારીઓ તેમજ સ્ટાફને બીજા પ્લાન્ટમાં બદલીના બહાને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓના રાજીનામાં લખાવી લેવામાં આવ્યા હતા. કંપની દ્વારા 200 અધિકારી કક્ષાના અને 416 જેટલા કર્મચારીઓને બદલીઓના ઓર્ડરો અપાયા હતા. રાતોરાત કર્મચારીઓનું ભાવી જોખમમાં મૂકી દેવામાં આવ્યું હતું જેના પગલે કર્મચારીઓ આંદોલનો ચલાવી રહ્યા છે અને ધરણા કાર્યક્રમ આપી રહ્યા છે. જેમાં આજરોજ જિલ્લાના 70 ગામના સરપંચો તેઓની વ્હારે આવ્યા હતા. જેમાં કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.