આજરોજ ભરૂચ જીલ્લામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 125 માં જન્મ જ્યંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ પંડિત ઓમકારનાથ હૉલ ખાતે કસુંબીનો રંગ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને ઝવેરચંદ મેઘાણીના દેશ માટેના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી કિશોર કાનાની, ભરૂચના ધારાસભ્ય, ભરૂચ કલેક્ટર સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભરૂચમાં આજરોજ તા.૨૮ ઓગષ્ટ, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે યોજયો હતો. આ કાર્યક્રમ આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન કવિ મેઘાણીના જીવન કથાને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મના નિદર્શન સાથે મહાનુભાવોના હસ્તે મેઘાણીજીના પુસ્તકોના સેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો અને કાવ્યોની વિવિધ કલાકારો ગ્રુપ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવ્યા હતા.
રિધ્ધી પંચાલ, ભરુચ