સમગ્ર દેશમાં જ્યાં દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે અમુક સમાજ અમુક સંપ્રદાયના લોકો હજી પણ અંદરખાને દહેજ પ્રથાને અપનાવી રહ્યા છે. ભરૂચ પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને દહેજ અર્થે શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેને આખરે કંટાળી અને જીવન ટુંકાવ્યું હતું.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચના સિદ્ધનાથ નગર સોસાયટી સેવાશ્રમ રોડની પાછળ એક પરિણીતાને તેના પતિ લગ્નના બે થી ત્રણ વર્ષ બાદ દહેજ અને મારપીટ કરી પૈસાની માંગણી કરી અને અનેક વસ્તુઓની માંગણી કરવામાં આવતી હતી અને આરોપી (પતિ) તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. સમાજમાં આબરૂ ન જાય તે માટે પરિણીતા હાલ સુધી બધુ સહન કરી આવતી હતી.
આરોપી વિરુધ્ધ પરિણીતા દ્વારા 2009 માં ડભોઈ ખાતે ફેમીલી કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે આરોપીએ માફી માંગી હતી જે બાદ સમાધાન થયું હતું. પરંતુ પતિ દારૂડિયો હોવાથી નશામાં ધૂત થઈ અને પરિણીતાને પૈસા લાવવા અર્થે ખૂબ જ માર મારતો હતો.
હાલ સસરાને ડાયાબિટીસ વધી જતાં તેનો પગ કપાવવાની નોબત આવી હતી જે અંગે પતિ પરિણીતાના ઘરેથી બે થી ત્રણ લાખ લાવી આપવાની માંગણી કરતો હતો. જેમાં પતિ, સાસુ અને સસરાએ માનસિક, શારીરિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું અને ત્રણેય આરોપીઓએ માર મારી માનસિક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારી હોવાનો પરિણીતાના માતા-પિતાએ દાવો કર્યો હતો. પરિણીતાની 13 વર્ષીય દીકરીને પણ રસ્તા પર લાવારિસની જેમ છોડી દેવામાં આવી હતી. દીકરી માસી, મામા, નાના-નાની ની રાહ જોઈને બહાર જ બેઠી હતી. પરિણીતાના શરીર પર માર માર્યા હોવાના નિશાન પણ જોવા મળ્યા હતા અને મૃતકની અંતિમ વિધિમાં આરોપી પતિ, સાસુ અને સસરા હાજર પણ રહ્યા ન હોવાથી જે અંગે પરિણીતાના માતા પિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું જણાવ્યુ હતું.