આખરે મેહુલિયો વરસ્યો, ભરૂચ પંથકમાં બપોર બાદથી મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા એક મહિનાથી પંથકમાં ઉકળાટનો માહોલ હતો. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 18 થી 23 ઓગષ્ટ દરમિયાન સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવાં મળશે. વરસાદી આગાહીનું કારણ બંગાળની ખાડીમાં લો પ્રેશર હોવાનું એક અહેવાલ અનુસાર જાણ થઈ હતી.
ભરૂચ પંથકમાં લોકોએ આ વર્ષે વરસાદને લઈ અને આશા જ છોડી દીધી હતી ત્યારે આજરોજ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લોકોને કાળઝાળ ગરમીમાંથી હવે છુટકારો મળશે જેથી લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. પંથકના ખેડૂતો કે જેનો પાક નિષ્ફળ જવાને આરે હતો તેઓમા ખુશીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ જીલ્લામાં લગભગ એક મહિના પછી વાદળછાયું વાતાવરણ થઈ અને મેઘરાજા વરસ્યા હતા.
ચિંતાતુર બનેલા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. નાનાં ભૂલકો સહિત મોટાઓ પણ વરસાદી પાણીમાં નાહવા અને કાળઝાળ ગરમીમાથી ઠંડક અનુભવા ઘરની બહાર નીકળી અને વરસાદની મજા માણી હતી. આ વર્ષે દર વર્ષ કરતાં વરસાદનું પ્રમાણ ઓછું જણાઈ રહ્યું છે.
રિધ્ધી પંચાલ, ભરુચ