વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમાએ
મશાલ જ્યોત પ્રગટાવી શુભારંભ કરાવ્યો
તા.૨૪ મી સુધી ચાલનારી પોલીસ એથ્લેટીક મીટમાં ૧૫ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાશેઃ ૧૦૪૯ જેટલા રમતવીરો ભાગ લેશે
ભરૂચ પોલીસ અને ભરૂચ ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ(BTET) ના સંયુક્ત ઉપક્રમે પોલીસ એથ્લેટીક મીટ – ૨૦૧૮ નો ઉદઘાટન સમારંભ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સિવિલ લાઇન્સ ભરૂચ ખાતે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમાએ મશાલ જ્યોત પ્રગટાવી શુભારંભ કરાવ્યો હતો. એથ્લેટીક મીટ-૨૦૧૮ શરૂ કરવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા, વડોદરા શહેરના ડી.સી.પી. શ્રી ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે, ભરૂચના પોલીસ વડાશ્રી સંદિપ સીંગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, નર્મદા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, છોટાઉદેપુરના એ.એસ.પી. શ્રી અચલ ત્યાગી તેમજ ભરૂચના બીટીઇટીના પ્રમુખશ્રી અનિષ પરીખ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે માર્ચપાસ્ટનું સુંદર આયોજન હાથ ધરાયું હતું. ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, માન. શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘‘રમશે ગુજરાત – જીતશે ગુજરાત” સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ખાસ ભાર મુક્યો હતો. આગામી ૨૦ વર્ષ સુધી આ એથ્લેટીક મીટમાં ભાગ લેતા રહેશો જેનાથી તંદુરસ્તી સારી રહેશે અને તમે સારી રીતે ફરજ બજાવી શકશો. પોલીસ એથ્લેટીક મીટ હવે ભરૂચના બ્રાન્ડ તરીકે આખા ગુજરાતમાં ઓળખ પ્રસ્થાપિત થઇ છે ત્યારે આ એથ્લેટીક મીટમાં હાર અને જીત કરતાં ભાગ લેવા ખૂબ જ અગત્યનો હોવાનું જણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, પ્રજા અને પોલીસ વચ્ચે સારો સેતુ બંધાય તે માટે પોલીસ એથ્લેટીક મીટનું કરેલા આયોજનને બિરદાવતા પોલીસનું કાર્ય સમાજમાં રહીને સમાજની સુરક્ષા માટેનું છે ત્યારે આવી એથ્લેટીક મીટના માધ્યમની આવેલી તકનો લાભ લઇ શારિરીક – માનસિક – નેતુત્વલક્ષી વિકાસ સાધી શકાય છે. તેમણે અગાઉના ડી.એસ.પી. શ્રી ગૌતમ પરમારે કરેલ એથ્લેટીક મીટની શરૂઆત કરાવી તે બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી યાદ કર્યા હતા.
જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગે પોલીસ એથ્લેટીક મીટ – ૨૦૧૮ ની માહિતી આપતા કહ્યું હતું કે, આજથી તા.૨૪ મી સુધી ત્રિદિવસીય ચાલનારા એથ્લેટીક મીટમાં ૨૩૫ મહિલા અને ૮૧૪ પુરૂષ સહિત કુલ ૧૦૪૯ રમતવીરોએ ભાગ લીધો છે. સામાન્ય પ્રજા અને પોલસ વચ્ચે સંવાદ રચાય તેવો હેતુ આ પોલીસ એથ્લેટીક મીટનો રહેલો છે. આ એથ્લેટીક મીટમાં ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ૪૦૦×૪૦૦ મીટર રીલે દોડ, ૧૦૦×૪૦૦ ના ૪ રીલેદોડ, લોંગ જમ્પ, હાઇ જમ્પ, ભાલાફેક, ગોળાફેક, ચક્રફેક, વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, ક્રિકેટ, ૨૧-૧૦-૩ કિ.મી. મેરેથન વિગેરે ૧૫ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાશે તેમજ તા.૨૫ મી એ હાફ મેરેથન દોડ પણ યોજાશ તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભે જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગે સ્વાગત પ્રવચન ર્ક્યુ હતું.