પાલેજ ખાતે છેલ્લા છ વર્ષથી કાર્યરત સેવાભાવી પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાલેજ નગરના વિવિધ વિસ્તારોમાં રહેતી વિધવા બહેનોને વિવિધ ઘર વપરાશની વસ્તુઓનું વિતરણ કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલીમ વકીલે ચેરીટેબલ ટ્રસ્ટની છેલ્લા છ વર્ષની કામગીરીનો ચિતાર આપ્યો હતો. સલીમ વકીલે ભવિષ્યમાં પણ ચેરિટબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને સહાય કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
ત્યારબાદ ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાકેશ વસાવાએ પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે સરાહનીય કાર્ય ચાલી રહ્યું છે તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ ૪૫૦ જેટલી વિધવા બહેનોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતુ. આ પ્રસંગે પુર્વ તાલુકા પંચાયત સદસ્ય ઇબ્રાહિમ ખાં પઠાણ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મોહસીન ખાં પઠાણ, ભરૂચ ભાજપ તાલુકા ઉપાધ્યક્ષ જયેશ સોજીત્રા, સરપંચ નસીમ સલીમ વકીલ, તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ