વરસાદ હાથતાળી આપી ગયો છે અને છેલ્લા ઘણા સેમીથી વરસાદ વરસી રહ્યો નથી સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા કપાસ મગફળી જેવા પાકને નુકશાન પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઓગસ્ટના બંને સપ્તાહમાં પણ જોઈએ તેવો વરસાદ ન વરસતા ખેડૂતોના માથે ચિંતાની લકીરો જોવા મળી રહી છે.
વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી હતી પરંતુ વરસાદ ન વરસતા હવે પાણી વગર ઉભો પાક સુકાઈ જાય તેવી શક્યતાઓ છે. ગત વર્ષે 5924 મી.મી સિઝનનો વરસાદ નોંધાયો હતો જયારે ચાલુ વર્ષે 2392 મી.મી સિઝનનો વરસાદ નોંધાયો. એક સમયે ઓવરફલો થઇ જતાં ડેમો અત્યારે ઓવરફ્લો થવામાં મીટરો દૂર છે જે ચિંતાનો વિષય બન્યો છે. બદલવા ડેમ 135.08 મીટર, ધોલી ડેમ 132.50 મીટર અને પિંગુટ ડેમમાં 135.04 મીટર જેટલો પાણીનો જથ્થો હાલ સુધી સીમિત છે. ડેમોમાં ઓછા જળ આગામી સમયમાં અંતરિયાળ વિસ્તારના ધરતી પુત્રોમાં માટે ચિંતામાં મૂકે તેવી શકયતા વધી છે.
ભરૂચ જિલ્લામાં હાલ સુધીમાં ખેતીલાયક વરસાદ વરસ્યો નથી અને હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન સારો વરસાદ થાય તેવી આગાહી નહિવત છે ત્યારે ખેડૂતો હાલ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. એક તરફ વરસાદ નથી વરસી રહ્યો તો બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે પૂરતો સૂર્ય પ્રકાશ પણ નથી મળી રહ્યો અને પરિણામે ખેડૂતોએ ખર્ચ કરી મોંઘા ભાવે વાવેલા બિયારણ નિષ્ફળ જાય તેવી પણ ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે.