– ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં બુટલેગરો બેફામ… પોલીસ બુટલેગરોને છાવરતી હોવાના રહીશોના આક્ષેપ..
– દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચિમકી..
ભરૂચમાં બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેવા આક્ષેપો થયા છે અને ધોળીકુઈના ભાલીયાવાડ વિસ્તારમાં એક યુવક વિસ્તારમાં આંટાફેરા મારતો હોવાનું કહી બુટલેગરો તેની પર તૂટી પડતાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યારે ઇજાગ્રસ્તએ એ ડિવિઝન પોલીસ મથકે બુટલેગર સહિત અન્ય સાથીદારો સામે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના ધોળીકુઈના ભાલીયાવાડ વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ વિનોદભાઈ જાદવ પોતાની મોટરસાયકલ લઈ પોતાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ભૃગુ વસાવાએ તેને રોકી અમારા ફળિયામાં કેમા આંટાફેરા મારે છે હવે તને નહીં છોડે તેમ કહી તેની સાથે રહેલા અન્ય વિશાલ વસાવા, કરણ મારવાડી, પિયુષ નાયક સહિતના અન્ય લોકોએ ધર્મેશ જાદવ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં ધર્મેશ જાદવને નાકના ભાગે ઇજા થતાં તેને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આમાં વિશાલ વસાવા બુટલેગર હોય અને દારૂનો વેપાર કરતો હોવાના કારણે આ વિસ્તારમાં દારૂનું દુષણ વધી રહ્યું હોવાના આક્ષેપો પણ સ્થાનિકો કર્યા છે, રહીશોએ પણ આજે દારૂનું દૂષણ દૂર કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોલીસ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા પોલીસ બુટલેગરોના છાવરતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા એ ડિવિઝન પોલીસ પણ શંકાના દાયરામાં આવી રહી છે.
પોલીસે પણ ઇજાગ્રસ્તની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે, હાલ તો પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પોલીસ ગુનેગારોને કાયદાનું ભાન નહીં કરાવે તો રહીશો ઉપવાસ આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.