ભરૂચ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં એકાએક વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં રોકેટ ગતિએ વધારો નોંધાતા સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. દર્દીઓના બીમાર થવાનું મુખ્ય કારણ વાતાવરણ થતો બદલાવ છે. કોરોનાની બીજી વેવ પૂર્ણ થવાને આરે છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાલી પડેલી હોસ્પિટલના બેડ ફરી એકવાર દર્દીઓથી ભરાઇ રહ્યા છે. હાલ વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે અને દિવસના આકરી ગરમી વર્તાઇ છે સાથે બપોર પછી ભેજવાળું વાતાવરણ સર્જાતા શહેરની જનતાને શરદી ખાંસી અને તાવની અસર વરતાતા વાઇરલ ઇન્ફેક્સનના કેસોમાં જંગી વધારો થઈ રહ્યો છે.
ગરીબ દર્દીઓ સરકારી દવાખાનાના આંગણે તો મધ્યમવર્ગીય અને માલેતુજાર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યા છે. બીજી તરફ ભરૂચની ખાનગી લેબોરેટરીમાં પણ લોહી અને પેશાબના પરીક્ષણ માટે રોજના દર્દીઓની કતારો જામી રહી છે. ભરૂચમાં રોજના નવા વાઇરલ કેસની સાથો સાથ ડેન્ગ્યુ અને મેલેરીયાના પણ એકલ દોકલ કેસ આવી રહ્યા છે. હાલ રોજના નવા આવતા દર્દીઓ પૈકી 50% થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના વાહક હોઈ છે. વાઇરલ ઇન્ફેક્શનવાળા દર્દીએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ આરામ કરવો જોઇએ અને નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ.