ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર હંમેશા અન્યાયનો સામનો કરતો હોય તેવું જણાઈ રહ્યું છે. ભરૂચ શહેરના અનેક એવા વિસ્તારો છે જે આજે પણ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવે છે તે છતાં જાણે વિકાસથી વંચિત રહી ગયા છે તેમ વર્તાઇ રહ્યું છે. એક તરફ વ્કસના નામે કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે બીજી તરફ શહેરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓની હાલત છે.
ભરૂચ શહેરના વિકાસ કામોમાં આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે જણાવ્યુ હતું. આજે પણ ભરૂચનો આ વિસ્તાર બિસ્માર માર્ગો, ખુલ્લી કાંસ, ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે, સમસ્યા ભરૂચ નગરપાલિકાના અધિકારીઓની નજર સામે છે તેમ છતાં તેઓના પેટનું પાણી શુદ્ધાં હલતું નથી. સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે રાહદારીઓ અને વાહન ચાલકો ખુલ્લી કાંસમાં પડતા બચે તે હેતુસર લોખંડની ગ્રીલ મૂકી રાહદારીઓને સાવચેત કરી રહ્યાં છે. જો કોઈની જાનને હાનિ પહોચે તો જવાબદાર કોણ..? ભરૂચના ફાટા તળાવથી ફુરજા બંદર સુધીની ખુલ્લી ગટર અને બિસ્માર બનેલા માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમીરૂપ બન્યા છે.
ભરૂચનો પશ્ચિમ વિસ્તાર સૌથી વધુ લઘુમતી સમાજની વસ્તી ધરાવે છે. જેના કારણે આ વિસ્તારોમાં વિકાસના કામો થતાં હોવાના પણ અગાઉ વારંવાર સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. સ્થાનિક વેપારીઓએ દ્વારા પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યા હલ ન થતાં આખરે વેપારીઓએ આખરે કંટાળીને અધિકારીઓ સામે આંદોલનનું હથિયાર પણ મૂકી દીધું છે. પાંચબતીથી ઢાલ, ઢાલથી ફાટા તળાવ, ફાટા તળાવથી ફુરજા બંદર ચાર રસ્તા, સૈયદવાડ, પીરકાઠી સહિતના અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો ભૂગર્ભ ગટર યોજના બનાવાથી સત્યનાશ વાળી દેવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારના માર્ગો અત્યંત બિસમાર બની જતા ટુ વ્હીલર ચાલકો ડિસ્કો રોડ પરથી પસાર થતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.
વાહનચાલકોની કમર તૂટી રહી છે. લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામો કેમ નથી થતા ? પશ્ચિમ વિસ્તારમાં રોડ ખોદીને ગટર બનાવી, મીઠા પાણીની લાઈન નાંખી પણ રસ્તો એમનો એમ રહેવા દીધો. ચોમાસા જેવી સિઝનમાં આવન જવાન કરવું મુશ્કેલ બને છે, ગાંધી બજારમાં આવતા ગ્રાહકો પણ ખુલ્લી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગ્રાહકો બજારમાં ખરીદી કરવા નહીં આવતા વેપારીઓ પાયમાલ પણ થયા છે. ખુલ્લી ગટરો રહી જતાં અહીંથી પસાર થતા કેટલાંય લોકો તેમાં પટકાઈ રહ્યા છે. ભારે તકલીફ પડી રહી છે જેથી પાલિકા દ્વારા વહેલીતકે કામગીરી કરવામાં આવે તેવી માંગ છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારના હજારો લોકોને આજે પણ માળખાકિય સુવિધાઓનો અભાવ…!
Advertisement