ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં એક પરિણીતાને સાત સમંદર પારથી ત્રણ તલાક કહી તરછોડી દેવાનો કિસ્સો સામે આવતા પાલેજ પોલીસ મથકમાં ટ્રિપલ તલાક અને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
કહેવા અને સાંભળવામાં સામાન્ય લાગતો શબ્દ “તલાક” જો ત્રણ વખત કોઈ પરિણીતાને કહી દેવામાં આવે તો પરિણીતાના જીવનભરનો પ્રશ્ન ઊભો થઈ જાય છે. જેના સાથે જીવન ગુજારવાના પત્ર પર દસ્તખત અને ત્રણ વખત કુબુલ કહી ઉજ્વળ ભવિષ્યના સપનાઓ જોયા હોય, સંસાર બચાવવા ત્રાસ સહન કર્યો હોય, રોજગાર અર્થે હજારો કિલોમીટર દૂર ગયેલ પતિના વિરહમાં જીવન વિતાવતી મહિલાને જો એક ઝટકામાં ત્રણ તલાક કહી દેવામાં આવે તો? વિચારીને જ મન અને હૃદય કંપાવી દે તેવી ઘટના ભરૂચ જિલ્લામાં બનવા પામી છે.
ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં રહેતી પરિણીતાને સાઉદી અરેબિયામાંથી ફોન રેકોર્ડિંગ દ્વારા પતિએ ત્રણ વાર તલાક કહી પોતાના નિકાહમાંથી તરછોડી દીધાની ઘટનાએ જિલ્લાભરમાં ચકચાર મચાવી છે. પાલેજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ ટંકારિયામાં રહેતા હુસેન ઐયુબ દીવાને આમોદના રહેવાશી યુસુફ દિવાનની દીકરી શહેનાઝ સાથે 15 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતાં હતાં. વર્ષો સુધી પતિ અને સાસરિયાઓનો ત્રાસ સહન કરીને પરિણીતા પોતાના સાસરિયામા જીવન પસાર કરતી હતી. અવારનવારના ઝઘડાઓમાં પતિ હુસેન અનેક વખત તલાકની ધમકી પરિણીતાને આપી ચુક્યો હતો. પરંતુ તેમ છતાં લગ્ન જીવન બચાવવા પરિણીતા પતિ અને સાસરિયાઓનો ત્રાસ સહન કરતી હતી. પરિણીતાને એક દીકરો અને દીકરી પણ સંતાનોમાં હોય પતિના આ પગલાંથી માથે આભ તૂટી પડ્યું છે. પતિ દોઢ વર્ષ પહેલાં જ રોજગાર અર્થે ખાડી દેશ સાઉદી અરેબિયા ગયો છે, જે હજુ સુધી ઘરે પરત આવ્યો નથી. પતિના વિદેશ હોવા છતાં પત્ની ટંકારિયા ગામે સાસરિયામા રહેતી હતી. પણ સાસરિયાઓ દ્વારા પતિને અવરનવાર ફોન કરી પોતાના વિશે ચઢામણી કરી પોતાના વિરુદ્ધ ભડકાવતા હોવાનો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ પણ અપાતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાસરિયાંઓની ચઢામણીથી પતિ વિદેશથી પણ પત્નીને ફોન કરી ધાકધમકી આપતો હતો અને છૂટાછેડા આપી દઈશ કહી તળપાવતો હતો. પતિના રવૈયા અને સાસરિયાઓનો ત્રાસ સહન કરીને પણ પરિણીતાને સાસરિયામા રહેતી હતી.
ગત તારીખ ૦૪/૦૮/૨૦૨૧ ના રોજ રાત્રીના આશરે દસેક વાગ્યાના સુમારે ફરિયાદી સંતાનો સાથે સાસરીમાં જ હતા અને ફરિયાદી ની નાની નણંદ તથા નણદોઈ બાબુ ના હોય પણ તેઓના ઘરે આવેલ હોય તે વખતે ફરિયાદી ની દીકરી સાફ-સફાઈ તથા વાસણ ધોવા માટે અને તે વખતે ફરિયાદીની સાસુ કહેવા લાગેલા કે તું તો “ખોડેલી” તું નહીં સુધરે તેમ કહી સાસુ ગાળો બોલવા લાગેલ જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં તેઓનું ઉપરાણું લઇ મારા સસરા તેમજ નણંદ અને નણદોઈ નાઓએ પણ ફરિયાદીને ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલા કે તું તારા બાપના ઘરે જતી રે તારો પતિ પણ અહીંયા નથી અને તારું અહિયાં કાંઈ કામ નથી તને કેટલી વાર કીધું છે તેમ છતાં તું “ન” થઈ ને અહીંયા રહે છે તેમ કહી આ બધા લોકોએ ભેગા મળી ફરિયાદી સાથે મારામારી કરવા લાગ્યા હતા અને ફરિયાદીની સાસુ સસરા અને નણંદ નણદોઈએ ફરિયાદીના પતિને ફોન કરી ચઢામણી કરેલ જેથી પતિએ પત્નીને ફોન કરી ઝઘડો કરવા લાગેલ અને ગાળો બોલવા સાથે પતિએ પત્નીને ફોન ઉપર કહ્યું હતું કે મારે તને રાખવી નથી અને તું તારા બાપના ઘરે જતી રે.. હું તને ફોનમાં તલાક આપુ છું તેમ કહેતા ફોન કટ બંધ કરી દીધેલ જેથી તેઓએ તેમના મોબાઈલ ફોનના વોટ્સએપ ઉપર વોઇસ રેકોર્ડિંગ કરીને ત્રણ વખત વખત તલાક તલાક તલાક કહીને મારા મોબાઇલ ફોનના વોટ્સએપ ઉપર વોઇસ રેકોર્ડિંગ મેસેજ કરેલ છે જેથી મેં સમગ્ર ઘટનાની જાણ મારા ભાઈ યાસીન દીવાનને ફોનથી કરી હતી અને હું સાસરીમાંથી નીકળી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે ફરિયાદીની ફરિયાદ લઇ પતિ હુસેન ઐયુબ દીવાન સહિત સાસુ ઝેનમ બેન ઐયુબ દીવાન, સસરા ઐયુબ ઇસ્માઇલ દીવાન, નણંદ સુમૈયાબેન જાવેદ દીવાન, નણદોઈ જાવેદ ઉસ્માન દીવાન મળી કુલ પાંચ લોકો સામે પાલેજ પોલીસ મથકમાં મારામારી અભદ્ર ગાળો બોલવી, અસભ્ય વર્તન તથા શારીરિક તથા માનસિક ત્રાસ અધિનિયમ તેમજ મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ ૨૦૧૯ મુજબ ફરિયાદ દાખલ કરાતા પોલીસે સાસરિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણ તલાક ઇસ્લામમાં સૌથી મોટો ગુનો માનવામાં આવે છે. આ ગુનાથી બચવા દરેક ઇસ્લામિક ભાઈઓને સમજાવી જાગૃત પણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં વિનાશકારે વિપરીત બુદ્ધિનું દેવાળું ફૂંકતા ઇસમોની કમી નથી. આવેશમાં આવી તલાક જેવા શબ્દોનો પ્રયોગ કરી કેટલીય મહિલાઓના જીવનને નર્કાગાર બનાવી દેતા હોય છે. આવા લોકો વિરૂદ્ધ સખત કાર્યવાહી થાય અને સમાજમાં ઉદાહરણ બેસશે તો જ આવા નબીરાઓની શાન ઠેકાણે આવી શકે છે. સરકાર દ્વારા ઘડવામાં આવેલા ત્રણ તલાકના કાયદાનો ટંકારિયાની આ ઘટનામાં સુપેરે ઉપયોગ થાય પતિ અને સાસરિયાઓ જેલના સળિયા પાછળ ધકેલાય અને પત્ની અને સંતાનોને ભરણ પોષણ મળે તેવી માંગ પરિણીતા દ્વારા કરવામાં આવી છે.