ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે ઉભેલી ઇકો કાર સાથે એક ટ્રક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારના ચાલકનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નિપજ્યું હતું, જયારે ઇકો કારમાં બેઠેલ અન્ય એક શખ્સને ઈજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે લઇ જવાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ નેત્રંગ ખાતે રહેતા રાહુલભાઈ સંપતભાઈ દંતાણી પોતાની ઇકો કાર લઇને અંકલેશ્વર જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે ઇકો કારને રોડની બાજુમાં ઉભી રાખીને કારમાંથી નીચે ઉતરીને કાર પાછળનો દરવાજો ખોલતા હતા તે દરમિયાન નેત્રંગ તરફથી આવતી એક ટ્રક ઇકો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક રાહુલ દંતાણીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે લઇ જવાતા સારવાર મળે તે પૂર્વે માર્ગમાં જ તેમનું મોત નીપજ્યું હતું.જયારે ઇકો કારમાં બેઠેલ મહેશ જાદવ નામના ઇસમને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ વાલિયા પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.કાર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ