ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કોવિડ-૧૯ કોરોના વાઇરસની રસીકરણની કામગીરીમાં સિમાચિહ્નરૂપ ૩૬ ગામોમાં સો ટકા રસીકરણ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગએ જણાવ્યુ છે.
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી રાહબરી હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોવિડ-૧૯ કોરોના વાઇરસ સામે પ્રતિરોધાત્મક રસી માટેના રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકામાં અગાઉ ૧૨ ગામોમાં અને આજની તારીખે ૨૪ ગામો મળી કુલ – ૩૬ ગામોમાં સો ટકા રસીકરણની કામગીરી કરી સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર જિલ્લાના ૩૬ ગામોમાં કરવામાં આવી રહેલી ૧૦૦% રસીકરણની કામગીરીમાં (૧) હાંસોટ તાલુકાના સાહોલ, બોલાવ, આસરમા, અણિયાદરા, કુડાદરા, ઉત્તરાજ, વમલેશ્વર, કોઠોદરા, પાંજરોલી, દંત્રાઇ મળી કુલ-૧૦ ગામ. (૨) વાગરા તાલુકાના નાંદરખા, વાવ મળી કુલ-૨ ગામ, (૩) આમોદ તાલુકાનું મંજોલા, માલકીનપુરા, દેનવા, નવાદાદાપોર, સમની, કાંકરીયા, સમીયાલા મળી કુલ-૭ ગામ, (૪) અંકલેશ્વર તાલુકાના સજોદ, કાનવા, ઉટીયાદરા મળી કુલ-૩ ગામ, (૫) ઝઘડીયા તાલુકાનું વઢવાના, સ.વાઘપુરા, વણાકપોર મળી કુલ-૩ ગામ, (૬) ભરૂચ તાલુકાનું અડોલ,પિપલીયા નવા શુકલતીર્થ મળી કુલ-૩ ગામ, (૭) જંબુસર તાલુકાનું આસનવડ, ઓ.ટીંબી, ભાણખેતર મળી કુલ-૩ ગામ, (૮) નેત્રંગ તાલુકાનું દત્તનગર, વિજયનગર મળી કુલ-૨ ગામ. (૯) વાલીયા તાલુકાનું રૂપનગર, ભિલોડ, આમલાગભાણ, મળી કુલ-૩ ગામે સો ટકા રસીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં રસીકરણ અંગે જાગૃતિ આવે તથા જિલ્લાની જાહેર જનતા રસીકરણ કરાવવા માટે આગળ આવે એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ફળસ્વરૂપે જિલ્લાના ઉપરોકત છત્રીસ ગામોએ સો ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોવિડ-૧૯ કોરોના વાયરસની મહામારીને નાથવા માટે રસીકરણ જ એકમાત્ર વિકલ્પ છે. નિષ્ણાંતો દ્વારા નજીકના સમયમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આવનારી સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે જિલ્લાના તમામ પ્રજાજનોને ઝડપથી રસીકરણ કરાવી લેવા જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.