મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ૫ મી ઓગષ્ટના રોજ કિસાન સન્માન દિવસની ઉજવણી ભરૂચ ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ડિ.જી.વી.સી.એલ અને ખેતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉજવવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વર્ષ-૨૦૦૨ પહેલાની અને પછી પરિસ્થિતિની વાત કરતા જણાવ્યું હતું કે, કૃષિ અને ખેડૂત બે પાંદડે કેવી રીતે થાય એવા પ્રયત્ન સરકાર કરી રહી છે. આજે ગુજરાતમાં કૃષિ રથની સાથે આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થયા ત્યારે ગુજરાત ખેતીમાં નંબર વન છે.
વધુમાં ધારાસભ્યએ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના થકી ખેડૂતોને થતા ફાયદા જણાવ્યા હતા અને કિસાન સૂર્યોદય યોજનાની પણ વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને જિલ્લા આગેવાન નિરલ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
ધારાસભ્યના હસ્તે કિસાન પરિવહન યોજનાનું વિતરણ કરાયું. આ કિસાન પરિવહન યોજનામાં કાંટાળી તારની વાડ, ગાય નિભાવ ખર્ચ, છત્રી અને સ્માર્ટ હેન્ડસ ટૂલ કીટ અને વાહન ડિલિવરી જેવી યોજનાઓ સમાવેશ થાય છે. કાર્યક્રમની સ્વાગત પ્રવચન નાયબ નિયામક પી.એસ.રાવએ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં થયેલ ભુજ ખાતેના કાર્યક્રમનો લોકોએ જીવંત પ્રસારણ પણ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી પ્રજાપતિ, ડી.જી.વી.સી.એલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, આગેવાન પદાધિકારી દિવ્યેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.