આજરોજ ફરી એકવાર રાજય સરકારને જાગૃત કરવાના ઇરાદાથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રૂપાણી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ગતરોજ યોજાયેલ સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે યોજાયેલ જ્ઞાનશક્તિ દિવસ બાદ આજરોજ જાહેર જનતાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજવામાં આવી હતી.
અગાઉ પેટ્રોલના મુદ્દે રેલી યોજવામાં આવી હતી તે જ રીતે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતાં જતાં રાંધણ ગેસના મુદ્દે ચૂલા પર ચા બનાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તે જ રીતે આજરોજ આરોગ્યના બચાવોના અભિયાન હેઠળ અને ભાજપાના નવ દિવસીય કાર્યક્રમોનો વિરોધ કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગેસ કાર્યાલયથી રાજ્ય સરકારને જાગૃત કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે અને પોસ્ટરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે વચ્ચે ચક્કાજામ થતાં શાલીમાર નજીક ચક્કાજામ થતાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ભરૂચ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેને પગલે ભરૂચ પોલીસે 10 થી વધુ કોંગ્રેસનાં આગેવાનોની ધરપકડ કરી હતી.
વધતી જતી મોંધવારી વચ્ચે લોકોને જીવન જીવવું અશક્ય બન્યું છે. સરકાર દ્વારા હજુ પણ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે તેની સામે સામાન્ય જનતાનું શું …? તે અર્થે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાની લોક્ચર્ચાઓ થઈ રહી હતી. ત્રીજી લહેરની શરૂઆત હવે ધીમે ધીમે થઈ રહી છે ત્યારે આરોગ્યને લગતા મુદ્દાઓ અત્યંત ગંભીર બન્યા છે. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પરીમલસિંહ રણા, વિક્કી શોખી, શેરખાન પઠાણ, સમસાદઅલી સૈયદ, જયોતિબેન તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિધ્ધી પંચાલ , ભરુચ