કાનમ પ્રદેશના વાગરા, આમોદ, જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાક ગામોમાં વાવેલ કપાસના પાકની જાણે વૃદ્ધિ જ અટકી પડી છે. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા અને જંબુસર પંથકને કાનમપ્રદેશ તરીકે પણ ઓળખાય છે. માત્ર એટલું જ નહીં કોટન કિંગથી પણ જાણીતો છે. ત્યારે આ પ્રદેશમાં ઔદ્યોગિકરણના કારણે કપાસના પાક ઉપર જાણે રસાયણ હુમલો થયો હોય તેવું સામે આવ્યું છે. હજારો હેક્ટર જમીનમાં ઊભા પાક પર અદ્રશ્ય કેમિકલની અસર થતાં પાકની વૃદ્ધી અટકી પડી છે. જેના કારણે આ પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અગાઉ પણ ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. હવે ફરીથી ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં આવ્યા છે. ભરૂચ જિલ્લો આમેય પ્રાણઘાતક પર્યાવરણીય પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે. ઓદ્યૌગિકરણના કારણે જળ, જમીન અને વાયુ પ્રદૂષણ જાણે બેકાબૂ બની રહ્યું છે. હવે ઓદ્યૌગિકરણની અસર ખેતીના ક્ષેત્ર પર વર્તાય રહી છે.
ભરૂચ જિલ્લાને કોટન કિંગ માનવામાં આવે છે કારણે અહી મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કપાસના પાક પર રસાયણ હુમલો થઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ઔદ્યોગિક ઝેરી ગેસની અસરના કારણે ખાસ કરી કપાસના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. અન્ય જિલ્લાઓમાં આ પ્રકારની કોઈ સમસ્યા નથી. કપાસ સહિત કઠોળ અને શાકભાજીના પાકને પણ આ પ્રકારે જ નુકશાન પહોંચ્યું છે ત્યારે તંત્ર આ પ્રશ્નનું નિરાકરણ લાવે એવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
કાનમ પ્રદેશના વાગરા, આમોદ, જંબુસર અને ભરૂચ તાલુકાના કેટલાક ગામોમાં વાવેલ કપાસના પાકની જાણે વૃદ્ધી જ અટકી પડી છે. કપાસના છોડ જે ગતિએ ઉછરવા જોઈએ એ ઉછરતા નથી અને પાંદડા પણ વળી જાય છે જેની સીધી અસર ઉત્પાદન પર થઈ રહી છે. કપાસ સાથે જ તુવેર, વાલ, ભીંડા, ચોળી સહિત અન્ય પાકોના છોડ પણ વધી રહ્યાં નથી.