ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી, દહેજ વગેરે ઓદ્યોગિક વસાહતો દ્વારા ઘણીવાર પર્યાવરણને નુકસાન કરતા બનાવો બનતા હોય છે.આવા બનાવો સામે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં નોટીસો, ક્લોઝર નોટીસ આપવામાં આવતા હતા અને ફરીથી એકમો ચાલુ થઈ જતા હતા. વારંવાર ફરીથી આવા બનાવો બનતા હતા. પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં થયેલ કેસ એનજીટી કોર્ટ સુધી જતા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે ગંભીર પ્રકારના ગુનામાં પર્યાવરણને થયેલ નુકસાન બદલ ઔદ્યોગિક એકમો પાસે દંડની રકમ પણ વસુલ કરવામાં આવે, અને એ અમલના ભાગરૂપે જીપીસીબી દ્વારા દંડની રકમ વસુલ કરવામાં આવે છે.આ જમા થયેલ રકમનો ઉપયોગ જેતે વિસ્તારમાં પર્યાવરણને થયેલ નુકશાન સામે તે વિસ્તારમાં પર્યાવરણના રક્ષણ માટે ખર્ચ કરવામાં આવ્યો નથી. તેથી આ રકમનો ઉપયોગ પર્યાવરણના રક્ષણ માટે અસરગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવે એવી માંગણી જીપીસીબી ગાંધીનગર અને કલેકટર ભરૂચને પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા પત્ર લખીને કરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલના જણાવ્યા મુજબ એનજીટી કોર્ટના હુકમ બાદ ઔદ્યોગિક એકમો દ્વારા પર્યાવરણને થતા નુકસાન બદલ દંડ પેટે કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવે છે, અને આ રકમ અંદાજે રુ. ૩૫ કરોડ જેટલી થયેલ છે. તેથી આ રકમનો ઉપયોગ જેતે વિસ્તારમાં થયેલ પર્યાવરણના નુકસાન સામે તેના રક્ષણ માટે અસરગ્રસ્ત વિસ્તારમાં ખર્ચ કરવામાં આવે. અન્ય કોઈ હેતુમાં આ રકમનો દુરુપયોગ ના થાય એવી માંગ કરતો પત્ર અમારા દ્વારા સંલગ્ન વિભાગોને કરવામાં આવેલ છે. આ બાબતે મંડળને જીપીસીબીના અધિકારીએ જણાવ્યું છે કે તેઓએ એક્શન પ્લાન બનાવેલ છે અને એ મંજુર થતા તેમના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ જણાવાયું હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ