ગત તારીખ 21 મી જુલાઇના રોજથી પાંચ દિવસના અલૂણાં વ્રત એટલે કે જયાપાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાની નાની બાળાઓએ ગૌરી વ્રત શરૂ થતાં પહેલા જ જવારા વાવી દીધા હતા. અને 21 મી જુલાઈથી ગૌરમાતાની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરી હતી.
નાની નાની ભૂલકીઓએ પાંચ દિવસ સુધી મીઠા વગરનું ફરાળ અને સુકામેવા ખાઈ અને વ્રત કર્યું હતું. રવિવારના રાત્રે બાળાઓએ રાત્રિ દરમિયાન જાગરણ કરીને વ્રતને પૂર્ણ કર્યું હતું ત્યારે આજરોજ વહેલી સવારથી જ નર્મદા નદીને કીનારે ભીડ જોવા મળી હતી.
બે દિવસથી સતત વરસી રહેલા વરસાદમાં પણ બાળાઓનો ઉત્સાહ અદભૂત હતો આજરોજ વહેલી સવારથી જ તેઓ તેમના માતા-પિતા સાથે નર્મદા કિનારે તેમની જવારાની ટોપલી લઈને પહોચી ગઈ હતી અને નર્મદા નદીમાં જવારા પધરાવ્યા હતા.
માનવમાં આવે છે કે મનગમતો ભાવિ ભરથાર મેળવવા માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે અને બાળાઓ મીઠા વગરનું ફરાળ આરોગી ભગવાન ભોળા શંભુને ભજે છે.