– ઝાડેશ્વરના પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન નરેશ પટેલ દ્વારા લેખિતમાં રજૂઆત…
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભાડભૂત વિયર કમ કોઝવે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ જો ગોલ્ડન બ્રિજના બદલે ઝાડેશ્વર સુધી લંબાવવામાં આવે તો ઘણો ફાયદો સરકારને, યાત્રા પ્રવાસનને અને લોકોને પણ થઈ શકે છે. આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન તેમજ ઝાડેશ્વર ગામના પૂર્વ સરપંચ નરેશ પટેલ દ્વારા લેખિતમાં રજૂઆત રાજ્ય સરકાર ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો અને સાંસદને પણ કરવામાં આવી છે.
નરેશ પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જો આ વિયર કમ કોઝવે ને જાડેશ્વર સુધી લંબાવવામાં આવે તો ત્રિવેણી સંગમ જેઓ પવિત્ર સ્થળ બની શકે છે આમ પણ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અનેક શિવમંદિરો છે ત્યારે આને લીધે યાત્રા પ્રવાસન વિકસી શકે એમ છે. આ અંગે તેમણે સ્થાનિક ધારાસભ્ય તેમજ રાજણા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ લેખિતમાં રજૂઆત કરી છે.
નરેશ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે જો ભાડભૂત બેરેજ યોજનાની દિવાલ ઝાડેશ્વર સુધી લંબાવવામાં આવે અને એના ઉપર રસ્તો બનાવવામાં આવે તો પર પ્રવાસન સ્થાનો વિકસિત થશે જ સાથે સાથે પાણીનું સ્ટોરેજ વધશે અને પાવન સલિલા માઁ નર્મદા મૈયા કદી પણ સુકીભઠ્ઠ જોવા નહીં મળે.
નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એક સમયે નર્મદા કાંઠે આવેલા ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ સ્થળોને યાત્રા પ્રવાસનમાં આવરી લેવામાં આવ્યા હતા અને અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ એ હજુ સુધી શક્ય બની નથી. ત્યારે ક્યાં ખોટ પડે છે એ રાજ્ય સરકાર જુએ અને ભરૂચ જિલ્લાને ધ્યાનમાં રાખીને તમામ ક્ષેત્રે આગળ લાવવા માટે ધ્યાન આપે એવી જનતાની માંગ છે. ઔદ્યોગિકની સાથે સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ ભરૂચ જિલ્લો કેટલો મહત્વનો છે એ સરકારે ધ્યાનમાં રાખવું રહ્યું.