ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પાસે કાલમુખા ટ્રકે બાઇકને અડફેટમાં લેતા પિતા પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. માતેલા સાંઢની માફક દોડી રહેલા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા આ કરુણાંતિકા સર્જાઈ હતી. ઘરેથી ગુમ થયેલી પુત્રીને શોધવા માટે પિતા તેના બંને પુત્રોને સાથે લઈને નીકળ્યા હતા.
પુત્રી મળે તે પહેલા જ બંને પુત્રો સાથે પિતા કાળનો કોળિયો બન્યા હતા.ગતરોજ સાંજના સમયે આમોદના રોંઢ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘમણાંદ ગામના રાવળ પરિવારના 3 સભ્યો પ્રવીણભાઈ ચંદુભાઈ રાવળ, સુનિલ પ્રવીણ રાવળ તથા અલ્પેશ પ્રવીણ રાવળ બાઈક ઉપર સવાર થઈ પિતા સહિત બે ભાઈઓ પોતાની ગુમ થયેલી બહેનને શોધવા નીકળ્યા હતા, જે બાદ તેનો કોઈ અતોપત્તો ન લાગતા આખરે આમોદ પોલીસ મથકે તે અંગેની ફરિયાદ નોંધાવા પરત ફરી રહ્યા હતા. તે વેળાએ રોંઢ ગામ નજીક માતેલા સાંઢની માફક ધસી આવેલ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે પિતા પ્રવિણભાઈ તથા બને પુત્રના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બનાવને પગલે લોક ટોળા પણ ઉમટી પડ્યા હતા તેમજ ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકનો કબજો મેળવી પોસમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના કારણે રાવળ પરિવારનો માળો એક ઝાટકે વિખરાય ગયો હતો.
પહેલેથી જ માતાની મમતા ગુમાવનાર બન્ને પુત્રો તેઓની બહેન ગુમ થઈ જતા પિતા સાથે તેને શોધવા નીકળ્યા અને માર્ગમાં કાળ નડતા ગુમ થયેલી બહેને એક સાથે બે ભાઈ અને પિતાની છત્ર ગુમાવી હતી. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના મોત નિપજતા ધમણાંદ ગામમાં પણ શોકનો માહોલ છવાયો છે.