કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે લેન્ડલુઝરની સમસ્યાઓનો નિરાકરણ અર્થે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ વેળાએ કલેક્ટરએ જીઆઈડીસી દહેજમાં જે પાણી પુરવઠા માટે જમીન આપવામાં આવેલ છે તેવા વ્યક્તિઓ અસરગ્રસ્તોને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સમાહર્તાએ દહેજ જીઆઈડીસીમાં તળાવ દ્વારા પાણી પુરૂ પાડવા જમીન આપી હોય તેવા અસરગ્રસ્તોને પ્રાથમિક સવલતો ઉપરાંત દહેજ જીઆઈડીસી કંપનીના પ્રતિનિધિઓને શક્ય તેટલી વહેલી તકે તેમની કંપનીની પોલીસી તેમજ કેપેસીટીને ધ્યાનમાં રાખી ફોર્મ્યુલા બનાવી યુવાનોને રોજગારી આપવા જણાવ્યું હતું. આ બાબતે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા ભારપૂર્વક કહ્યું હતું.
કલેક્ટરએ લેન્ડ લુઝર્સને પણ કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખી પોતાના હક્ક માટે રજૂઆત કરવા જણાવ્યું હતું અને ગેરકાયદાકીય હરકતો ના થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, એએસપી ભરૂચ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, દહેજ જીઆઈડીસીના અધિકારી, લેન્ડ લુઝર્સ અસરગ્રસ્તો તેમજ જીઆઈડીસીના વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.