– વાઇસ ચેરમેન તરીકે સતત છઠ્ઠી વખત કરશનભાઇ પટેલ : મેનેજીંગ ડિરેકટર તરીકે અજયસિંહ રણાની બિનહરીફ વરણી.
ભરૂચ ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેંકની ચૂંટણી આજરોજ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાતા સતત સાતમી વખત સહકારી ક્ષેત્રના મજબૂત આગેવાન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે અંકલેશ્વર એ.પી.એમ.સી.ના ચેરમેન એવા કરશનભાઇ પટેલની પણ સતત છઠ્ઠી વખત વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી. મેનેજીંગ ડિરેકટર તરીકે અજયસિંહ રણાની પણ બિનહરીફ વરણી થઈ હતી.
ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકમાં વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં કુલ 21 બેઠકોમાંથી 19 બેઠકો પર અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. જ્યારે રાજપીપળા અને હાંસોટ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં હાંસોટ બેઠક પર હર્ષદ પટેલ અને રાજપીપળા બેઠક પર સુનિલ પટેલનો વિજય થયો હતો. જેના પગલે બેંકની ચૂંટણીમાં ફરી એક વખત ચેરમેન તરીકે નિશ્ચિત મનાતા હતા.
દરમ્યાન આજરોજ પ્રાંત અધિકારી તથા ચૂંટણી અધિકારી એન.આર. પ્રજાપતિની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સતત સાતમી વખત વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે કરશનભાઇ પટેલની સતત છઠ્ઠી વખત વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી. મેનેજીંગ ડિરેકટર તરીકે અરુણસિંહ રણાના જ પુત્ર એવા અજયસિંહ રણાની પણ બિનહરીફ વરણી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અરુણસિંહ રણાએ 2000 માં પ્રથમ વખત બેંકના ચેરમેનનો કાર્યભાર સાંભળ્યો હતો ત્યારે બેંકની સ્થિતિ નબળી હતી. અરુણસિંહ રણાએ પોતાની કુનેહથી બેંકનો વહીવટ કરી તેને નફો કરતી બેંક તરીકે સ્થાપિત કરી છે. ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકને સફળતાનાં શિખરે તેમણે પહોંચાડતા સતત સાતમી વખત બેંકના ચેરમેન તરીકે આરૂઢ કરાયા છે. આ પ્રસંગે અરુણસિંહ રણાએ બેંકના થાપણદારો અને ડિરેક્ટરોએ તેમનામાં મુકેલા વિશ્વાસને એળે નહિ જવા દઉ તેવી ખાતરી આપી આભાર વ્યક્ત કરી હતી સાથે તેમણે કેન્દ્રમાં પહેલી વખત સહકારી મંત્રાલયનો વિભાગ શરૂ કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.