ભરૂચ જિલ્લાના સિંધોત ગામનો એક યુવક વર્ષ 2019 માં વડોદરા અને મુંબઇના એજન્ટ મારફતે સાઉદીના રિયાદ ખાતે એક કંપનીમાં નોકરી કરવાના ઇરાદે ગયો હતો. મળતી માહિતી અનુસાર તેને કોન્ટ્રાક્ટની સમયમર્યાદા કરતાં વધુ સમય કામ કરાવતાં તેણે તેમ નહીં કરવા કહેતાં તેને જેલમાં ધકેલી દેવાયો છે. ત્યારે છેલ્લાં એક વર્ષથી તેના પિતા દ્વારા તેને ભારત પરત લાવવા માટે અધિકારી-પદાધિકારીઓની કચેરીઓના પગથિયા ઘસી રહ્યાં છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચનાં સિંધોત ગામે રહેતાં અર્જૂન પરસોત્તમ પ્રજાપતિના પુત્ર તરૂણે ફિલ્ટર મેકેનિકલનો કોર્સ કર્યો હતો અને તેણે વિદેશમાં નોકરી મેળવવાની તૈયારી કરી હતી.
વર્ષ 2019 માં મુંબઇની વેસ્ટલાઇન ઓવરસીસ નામની એજન્સીની વડોદરાના સબ એજન્ટ જીકે પ્લેસમેન્ટના સંપર્ક થકી તે સાઉદીના રિયાદ ખાતે આવેલી અલ શાહિન મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કામ કરવા ગયો હતો. વડોદરા અને મુંબઇના એજન્ટોએ પાસપોર્ટ મેળવી લઇ તેમને સાઉદી મોકલ્યાં હતાં.
જ્યાં તેમની પાસે કોન્ટ્રાક્ટ કરતાં વધું કામ કરાવી વેતન પણ ચુકવાતું ન હોઇ તેમણે કામ કરવાનો ઇન્કાર કરતાં પાસપોર્ટ તેમને પરત આપ્યાં ન હતાં. જેલમાં ધકેલી દેવાતાં છેલ્લા એક વર્ષથી અર્જૂન પ્રજાપતિ સરકારી કચેરીઓ તેમજ સહકાર મંત્રી ઇશ્વર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રજૂઆત કરતાં તેમણે ઉચ્ચકક્ષાએ પત્ર લખ્યો હતો. જોકે, હજી સુધી તેમને તેમના પુત્ર અંગે કોઈ ખબર મળી રહી નથી.