ભરૂચ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે. ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની લાંબી લાઈન લાગી રહી છે. ભરૂતમાં નવો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ ગયો છે. જોકે, વરસાદી માહોલ અને વાહનોના જુના તેમજ નવા હાઇવે ઉપર વધુ ભારણ સાથે ભરૂચ નજીક નર્મદા નદી પાસે ફરી ટ્રાફિકજામની કતારોએ બંને હાઇવે અને શહેરોના આંતરીક માર્ગને ભરડામાં લીધા છે. ચોમાસું નજીક હોય ત્યારે યોગ્ય સમારકામના અભાવે આ સ્થિતિનું નિર્માણ થાય છે. મુલદ ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જવાના માર્ગ ઉપર રસ્તો અત્યંત ઉબડ ખાબડ છે અને તેના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે.
વડોદરાથી સુરત તરફ ને.હા. 48 ઉપર ટોલ પ્લાઝાથી લઈ નર્મદા ચોકડી સુધી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. નેશનલ હાઈવે નંબર-48 ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેથી સતત ધમધમતા હાઈવે ઉપર ટ્રાફિકજામ થઇ જાય છે. ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની કતારો જોવા મળી હતી.
વાહન ચાલકોના સમય અને ઇંધણ બંનેનો વ્યય જોવા મળ્યો હતો. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાઇવે પર ટ્રાફિક જામના કારણે નવનિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રીજ ઉપર પણ ઘણા વાહનો ડાયવર્ટ થઇ રહ્યા છે જેના પગલે અહી પણ ક્યારેક ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ખાસ કરીને રાત્રીના સમયે એક તરફ કેટલાક લોકો બ્રીજ ઉપર સેલ્ફી લેવા પહોચે છે અને ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરે છે.
બીજી તરફ વાહનોના ભારણના કારણે ટ્રાફિક જામ જોવા મળે છે. રાતે નવા બ્રીજ ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહનોને અટકાવાય તેવી પણ માંગ ઉઠવા પામી છે. ભરૂચ પાસે નર્મદા નદી ઉપર જુના તેમજ નવા હાઇવે ઉપર ટ્રાફિકજામની વર્ષો જૂની વિકરાળ સમસ્યાથી વાહન ચાલકોને છુટકારો અપાવવા હાલ જૂનો-નવો સરદાર બ્રિજ, કેબલબ્રિજ તેમજ નર્મદા મૈયા અને ગોલ્ડનબ્રિજ મળી 5 પુલની 14 લેન હોવા પણ તો પણ ટ્રાફિકની સમસ્યા હાલ જૈસે થે જોવા મળી રહી છે.
1 comment
Kem traffic thay 6 ek var zadeswar bridge and Toll plaza ni bacche jai ne videos banavo khabar padi jase!!