ભારતમાં જ્યારે સ્વદેશી ચીજોના વપરાશ અને આત્મનિર્ભર બનવાની વાત ચાલે છે ત્યારે ભૂંસાતી જતી ધાર્મિક પરંપરાઓ અને વ્રત-પૂજન વગેરેને પણ ફરી પુનર્જીવીત કરવાની જરૂર છે. સમયના વહેણમાં જયા પાર્વતી જેવા વ્રતો ભૂંસાઇ રહ્યા છે. મોટા શહેરોમાં તેમનું નામ નિશાન જોવા મળતું નથી. ગામડાઓમાં લોકો આવા વ્રત કરતાં લોકો કરતાં જોવા મળે છે. મંદિરો અને ધર્મ સંસ્થાઓે વ્રતોની પરંપરા ફરી શરૂ થાય તે માટે પ્રયાસો કરવાની જરુર છે. પૌરાણીક વ્રતો પણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે.પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતિનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી ‘જય જય ગિરીબર રાજ કિશોરી’ પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજરોજ કુંવારિકાઓએ વહેલી સવારે શિવજીના મંદિરે જઇ અને શિવલીંગની પુજા અર્ચના કરી હતી. કોરોના મહામારીનું ખાસ ધ્યાન રાખીને મંદિરના પ્રાંગણમાં ઓછી ભીડ થાય તે રીતે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરીને પૂજન કરવામાં આવ્યું હતું.