રેવા મૈયા દુગ્ધાભિષેક અને વિધિવત પૂજન કરી નોમથી સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજે માછીમારી સિઝનનો પ્રારંભ કર્યો છે. ભાડભુત નદી કાંઠે દૂધનો અભિષેક કરી નર્મદાને ચુંદડી અર્પણ કરી વ્યવસાયની શરૂઆત કરી હતી. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ, વેજલપુર માછી સમાજ પંચ અને બોરભાઠાના માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં માછીમારોએ આજે બોટ લઇ નર્મદા નદીમાં પ્રસ્થાન કર્યું હતું.
દેવસુતી અગિયારસથી ભાડભુત નદીકાંઠે રેવા મૈયાને દુગ્ધાભિષેક કરી માછીમારોએ ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછલીની સિઝન સુરક્ષિત અને સફળ રહે તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરી હતી. માછીમારો નાવડીઓમાં સવાર થઈ માછીવાડ ડેરી ફળિયે નર્મદા મંદિરેથી નદી કિનારે રેવા મૈયા દુગ્ધાભિષેક યાત્રા કાઢી હતી.
યાત્રા સાથે દુગ્ધાભિષેક માટે ખાલી અને ભરેલા દેગડાઓની લારી નીકળી હતી, જેમાં સમાજના તમામ ઘરેથી રેવા મૈયા દુગ્ધાભિષેક માટે એક ગ્લાસ કે એક લોટો દૂધ આપવામાં આવ્યું હતું. રેવા મૈયા દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આખા વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી શરૂઆત કરાઇ.