ઐતિહાસિક ગોલ્ડનબ્રિજના વિકલ્પ તરીકે અસ્તિત્વમાં આવેલા નવા નર્મદા મૈયા બ્રિજે ટૂંકી, ઝડપી અને બચતદાયક મુસાફરીનું બિરૂદ રથયાત્રાએ લોકાર્પણ થતા જ હસ્તગત કરી લીધું છે. ભરૂચનો નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ રૂ.430 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ચર્ચામાં રહેવાનું કારણ તેના પરથી પ્રતિબંધ હોવા છતાં 40 પૈડાનું ટ્રેલર પૂર ઝડપે પસાર થયું. પોલીસતંત્ર દ્વારા ત્યાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે તો ટ્રેલર ત્યાં ઘૂસ્યું જ કેવી રીતે..?
બ્રિજ ઉપરથી માત્ર હળવા વાહનો જ પસાર કરવાની હાલ મંજૂરી અપાઈ છે. જેને લઈ ટુ, થ્રી અને ફોર વ્હીલર પસાર થઈ રહ્યાં છે. સરકારી બસો બ્રિજ પરથી કાર્યરત થઈ ગઈ છે અને ટવીન સિટીની તર્જ ઉપર ગુરૂવારથી સિટી બસ સેવા પણ શરૂ થઈ જવાની છે. જોકે સરકારી GSRTC ની ST બસ અને મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સીટી બસ પણ દોડતી થઈ જશે. લોકોને બ્રિજ એટલી હદે ગમી અને આંખમાં વસી ગયો છે કે, લોકાર્પણના ત્રીજા રવિવારે પણ ભરૂચ અને અંકલેશ્વર તરફથી પ્રજા અહીં મજા માણવા અને સેલ્ફીઓ લેવા પડાપડી કરી રહી છે.
બ્રિજ ઉપરથી ખાનગી ભારે વાહનોને પાબંદી હોવા છતાં અંકલેશ્વર તરફથી નર્મદા મૈયા બ્રિજ ઉપર મસમોટું ટ્રેલર નીકળી ગયું હતું. બ્રિજના બન્ને છેડે લોકોની ઉમટતી ભીડ, LED સર્કિટની થયેલી ચોરી અને સેલ્ફીઓ માટે પડાપડી વચ્ચે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. બ્રિજના બન્ને છેડે પોલીસ પણ ભારે વાહનોને અટકાવવા પહેરામાં હોય છે ત્યારે 40 જેટલા ટાયરો ધરાવતું મશીનરીથી લોડેડ ટ્રેલર કઈ રીતે અંકલેશ્વરથી ચઢી ભરૂચ તરફ 5 કિલોમીટરનું અંતર કાપી ઉતરી ગયું અને કોઈની નજરમાં પણ ન આવ્યું. ભારે વાહનથી બ્રિજને પણ જોખમ સાથે મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ હોય ત્યારે પાછળથી પસાર થતી કારના ચાલકે જ આ ગેરકાયદે પ્રવેશેલા ભારે વાહનનો વીડીયો ઉતારી લીધો હતો. હવે તંત્ર બ્રિજના બન્ને છેડે પોલીસ પોઇન્ટ બનાવી દઇ બ્રિજ પરથી જાણ્યે કે અજાણ્યે પસાર થવા જતા ભારદાયી ખાનગી વાહનોને અટકાવે અને વોચ રાખે તેવી જાહેર જનતાની માંગ ઉઠી છે .