ગતરોજ ભરૂચ શહેરના 300 જેટલા જર્જરિત મકાનોને નગરપાલિકા દ્વારા ક્યાં તો મકાન રીપેરીંગ કરવા કયાં તો મકાન ઉતારી લેવા નોટિસ ફાળવવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા ચોમાસા પહેલા ભયજનક જર્જરીત મકાનોમાં રહેતા લોકોને નોટીસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રીપેરીંગ કરાવી લેવા તાકીદ કરે છે. આ વર્ષે કરાયેલા સર્વેમાં શહેરમાં આવા જર્જરિત મકાનોની સંખ્યા 300 નોંધાઇ હતી.
ભયજનક મકાનોના કારણે ભવિષયમા કોઈને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ નગરપાલિકાએ માલિકોને નોટીસ આપી છે. જેમાં અત્યાર સુધીમાં માત્ર 7 જેટલા જ મકાન માલિકોએ તેમની ઇમારત ઉતારવા માટેની અરજી પાલિકામાં કરી છે. ભરૂચ શહેરમાં જૂનું ભરૂચ આવેલું છે જે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે, જયારે નવું ભરૂચ શહેર તળેટીમાં આવેલું છે. દર ચોમાસા દરમિયાન ટેકરાની માટી ધસી પડવાને કારણે મકાનો ધરાશાયી થઇ જતાં હોય છે.
ચોમાસામાં મકાનો જોખમી હોવાનું જાણતાં હોવા છતાં મકાન માલિકો વૈકલ્પિક વ્યવસ્થાને અભાવે મકાન માલિકો તેમના મકાનો ખાલી કરવાને બદલે ભયજનક મકાનોમાં રહેવાનું પસંદ કરતાં હોવાથી ચોમાસા દરમિયાન મોટી હોનારત થવાનો ખતરો રહેતો હોય છે. શહેરમાં ચોમાસામાં મકાનો ધરાશાયી થવાની બનતી ઘટનાઓમાં લોકોમાં આવેલી જાગૃતિના કારણે ભયજનક મકાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. શહેરમાં 428 મકાનો ભયજનક હાલતમાં હતાં તેની સંખ્યા હવે ઘટીને 300 પર પહોંચી છે.
આ મકાનોમાં રહેતા લોકોને પાલિકાએ નોટીસ આપી મકાનો ઉતારી લેવા અથવા રીપેરિંગ કરાવવા સુચના આપી છે. ત્યારે અત્યાર સુધી માત્ર 7 જ મકાન માલિકોએ તેમની ઇમારત ઉતારી લેવા માટે પાલિકા કચેરીએ અરજી આપી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા 15 વર્ષ ઉપરાંતથી રતન તળાવ, બહાદુર બુરજ, વૈરાગીવાડ, ભીડભંજનની ખાડી, હજીરાનો ટેકરો, ટાવર ટાંકીનો ટેકરો, કોટ સફીલ, વ્હોરવાડ વિસ્તારોમાં નોટિસ ફટકારવાનો સિલસિલો ચાલી રહ્યો છે. બીજી તરફ જૂના મકાનોની કિંમત ન મળવી અને સોસાયટી વિસ્તારમાં મોંઘા મકાનો હોવાને કારણે લોકોને ઘર બદલવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.