ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામે મંદિર નજીક સાફસફાઈ કરતી બે મહિલાઓને તમારે અહિયાં સફાઈ કરવાની નથી તેમ કહીને એક ઇસમે માબેન સમાણી ગાળો દીધી હતી.
મળતી વિગતો મુજબ આ કામના ફરિયાદી ભાઇ રાજેન્દ્રભાઇ જેસીંગભાઇ વસાવા રહે.ગામ ગુંદિયા તા.વાલિયાના ખેતીનો વ્યવસાય કરે છે. ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેમના ઘરની નજીકના વાડામાં આવેલ મંદિર નજીકની જગ્યામાં ફરિયાદીની ફોઇ સવિતાબેન વસાવા તથા બહેન પદમાબેન વસાવા મંદિરની આજુબાજુ સાફસફાઈ કરતા હતા ત્યારે તેમના ઘરની બાજુમાં રહેતો ફરિયાદીના મામાનો છોકરો સંતોષભાઇ વસાવાએ ત્યાં આવીને આ જગ્યા અમારી છે, તમે અહિં કેમ સાફસફાઈ કરો છો ? તેમ કહીને માબેન સમાણી ગાળો દીધી હતી. બોલાચાલીનો અવાજ સાંભળીને ફરિયાદી રાજેન્દ્રભાઇ વસાવાએ ઘરમાંથી બહાર આવીને સંતોષને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો. દરમિયાન સંતોષનો નાનો ભાઇ વિકાશ પ્રભુ વસાવા તથા તેના મામા ભરતભાઇ અમરસિંગભાઇ વસાવા પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ સંતોશ અને વિકાસે લાકડીથી રાજેન્દ્રભાઇને લાકડીના સપાટા માર્યા હતા. ઉપરાંત બીજીવાર અહિ આવશો તો જાનથી મારી નાંખીશુ, તેવી ધમકી આપી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્ત રાજેન્દ્રભાઇને સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ અંગે વાલિયા પોલીસ મથકમાં સંતોશભાઇ પ્રભુભાઇ વસાવા, વિકાસ પ્રભુ વસાવા અને ભરતભાઇ અમરસિંગભાઇ વસાવા તમામ રહે.ગામ ગુંદિયા તા.વાલિયા જિ.ભરૂચના વિરુધ્ધ ફરિયાદ નંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ