ભરુચ-અંકલેશ્વર પંથકમાં છેલ્લા 20 દિવસના ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આખરે મેઘરાજા વરસ્યા. અંકલેશ્વરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બપોરના સમયે લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાલીયા ઝઘડીયા વિસ્તારોમાં પૂર જોરે વરસાદનું આગમન થયું હતું.
થોડા દિવસોના વિરામ બાદ કડાકા ભડાકા સાથે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જેથી ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કરતાં લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી થોડા દિવસો દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ સહિત અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.