ભરૂચ અને અંકલેશ્વરને જોડતી નર્મદા નદી પર છેલ્લા 5 વર્ષથી બની રહેલા બ્રિજની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે આજરોજ ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે આગામી 12 જુલાઈના રોજ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં નાયબ મુખમંત્રી નીતિન પટેલના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
છેલ્લા એક મહિના અગાઉ નર્મદા મૈયા બ્રિજને લઈને ઘણા વિવાદો ઉભા થયાં હતા, કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક પ્રકારની બ્રિજને ખુલ્લો મુકવા ચીમકીઓ ઉચ્ચરવામાં આવી હતી. સાથે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા વર્ષો જુના ગોલ્ડન બ્રિજ પર વાહનોનુ ભારણ વધી જતા ટ્રાફિકની સમસ્યાઓ ઘણી વિકટ બનતી હતી જેને પગલે તાત્કાલિક ધોરણે 400 કરોડના ખર્ચે ગોલ્ડન બ્રિજને જ સમાંતર નર્મદામૈયા બ્રિજ બનાવની મંજૂરી મળી હતી. લગભગ પાંચ વર્ષથી બની રહેલા બ્રિજનું નિર્માણ કાર્ય હવે પૂરું થતું જોવા મળ્યું છે.
નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો મુકવાના કારણે ઘણા લોકોને રાહત મળી રહેશે, રોજબરોજ ભરૂચથી અંકલેશ્વર વાહન મારફતે ફરતા લોકોને ટ્રાફિક જેવી સમસ્યાથી અને તમનો સમય ન વેડફાઈ તેનાથી રાહત મળશે. નર્મદા મૈયા બ્રિજ પર બાજુના ભાગમાં વોક વે પણ બનાવામાં આવ્યો છે જેથી લોકો જગ્યાની મજા માણી શકશે. બ્રિજના લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષીને ભરૂચ કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક મળી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
રિદ્ધિ પંચાલ, ભરૂચ