કોરોના મહામારી દરમિયાન લોકોના ધંધા રોજગાર ઠપ હતા તે દરમિયાન મધ્યમ અને ગરીબ પરિવારના લોકોને ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વાલીઓ તથા વાલી મંડળોના અભિપ્રાય લીધા વિના શિક્ષણ માફિયાઓના તાબા હેઠળ થઈને નવા શિક્ષણ સત્ર દરમિયાન વાલીઓ પાસેથી ફી ઉધરાવીને વાલીઓને લોલીપોપ અપાયા હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 25% સરકાર દ્વારા અને 25% શાળાઓ દ્વારા એમ 50% વાલીઓની ફી માફ થાય તે માટે NSUI દ્વારા હાથમાં લોલીપોપ લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું જેમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કોરોના સંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ન લાગે તે માટે રાજય સરકાર દ્વારા લોકડાઉન પહેલાથી જ શાળા-કોલેજો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આવેદનપત્ર મુજબ શાળા-કોલેજો બંધ હતી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઈલેકટ્રીકસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થઈ રહ્યા નથી, સાથે સરકારે રફેલ ફી નિયમન સમિતિમાં ખાનગી શાળાઓને લાખો રૂપિયા ઉધરાવાના પરવાના અગાઉથી આપેલ છે, એટલે કે ખાનગી શાળાઓ જો ફી માં વધારો નહીં કરે તો શાળાઓને કોઈ ફરક પડવાનો નથી.
NSUI ના જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનેક વખત આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી આજરોજ NSUI દ્વારા ફરીથી હાથમાં લોલિપોપ લઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.