ભરૂચ મધ્યસ્થ સહકારી બેંકની ચૂંટણીમાં નિદિષ્ટ સહકારી મંડળીઓના નિયમો મુજબ અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો તેમજ સ્ત્રી અનામત બેઠકોમાં કાયદાઓની જોગવાઈ હોવા છતાં આ વર્ગને પોતાના હકથી વંચિત રાખવામાં આવે છે. જેમાં જાહેરનામામાં આ જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી નથી જેથી પ્રાંત અધિકારી દ્વારા બેન્કની ચૂંટણી અંગેનું તા. 17-06-2021 નું પ્રાથમિક જાહેરનામું કાયદા વિરૂધ્ધ હોય તે રદ કરી કાયદાની જોગવાઈ મુજબનું નવું જાહેરનામું બહાર પાડવા ન્યાયના હિતમાં વિનંતી ભરૂચ કલેકટરને કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી દ્વારા ખોટી દિશામાં ચાલી રહી છે તેનાં અનેક પુરાવાઓ સામે આવ્યા હતા જેમ કે ઉમેદવાર તરીકે ચાર સહકરી આગેવાનોના ફોર્મ ખોટી રીતે રદ્દ કરતા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા સહીત અન્ય ઉમેદવારો દ્વારા એસ.ડી.એમ. ની ઓફિસ બહાર ધરણા પર બેસવાની ફરજ પડી હતી અને એસ.ડી.એમ. તથા તેઓના સ્ટાફ ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે ચર્ચાઈ રહ્યું હતું.
ઉમેવારોના ફોર્મની ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા ધારકે ઉમેદવારીનું ફોર્મ જોઈ તરત જ ટાઈપ કરેલો વાંધો કાયદાકીય ભાષામાં આપીને ચૂંટણી પ્રક્રિયાની આચાર સંહિતાનો ભંગ કરેલો હતો જેમાં જણાઈ રહ્યું હતું કે ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવા એ પૂર્વ નીયોજિત કાવતરું થયું હતું.
બીજી ઘટનામાં નાંદોદ તાલુકાની મંડળીઓના મતદાર યાદીમાં નામ ઉમેરવા અંગેના પ્રાંત અધિકારી દ્વારા કરાયેલ રાજકીય દબાણ હેઠળના ઓર્ડરને નામદાર ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી હતી, આમ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગયા પછી તેઓ ચૂંટણીમાં ભાગ ન લઇ શકે તે માટે મનઘડત કારણો રજૂ કરીને પક્ષકારોને હેરાન પરેશાન કરવામાં આવે છે. જેથી પ્રાંત અધિકારીઓ વારંવાર અમુક કિસ્સાઓમાં પક્ષપાતી અને અન્યાયી હુકમો કરી ફલિત થયા હોવાના આક્ષેપો થયા હતા.
જેથી કાયદાકીય જોગવાઈ મુજબ ફરજ મુક્ત કરીને એ જગ્યાઓ નિષ્પક્ષ ચૂંટણી અધિકારીઓને તટષ્ટ ન્યાયિક પ્રક્રિયા દ્વારા નવા જાહેરનામા સાથે ચૂંટણી યોજવા માટે નિયુક્તિ કરવા ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
સમગ્ર મામલાની પ્રતિક્રિયા આપતા નિખિલ શાહે જણાવ્યુ કે, અગાઉ બનેલ ભરૂચ નગરપાલિકાના કિસ્સામાં ખોટી રીતે અમિત ચાવડા તરફી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવતા મુદ્દે પોલીસે ફરિયાદ નામદાર કોર્ટનાં આદેશ બાદ નોંધવામાં આવી હતી પરંતુ પોલીસ ફરિયાદ બાદ પ્રમુખ પદેથી હટાવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી સ્પષ્ટપણે અધિકારીઓ, ભાજપના એજન્ટો હોવાની શંકાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.