બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ત્રણ સંતાનની માતા ૩૨ વર્ષીય પરિણીત મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો હતો.
મહાવીર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થોડા સમય પહેલા જ વસવાટ કરવા આવેલ નજમા રીફાકટ સૈયદ નામની ૩૨ વર્ષીય પરિણીત મહિલાનું મકાનમાં આવેલ રૂમના પલંગ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય ઘટના અંગેની જાણ મૃતકના બાળકોએ નજીકમાં રહેતા તેઓના સ્વજનોને કરતા સ્વજનોએ સ્થળ પર પહોંચી જઈ મામલા અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ સમગ્ર બાબત અંગે માહિતગાર થયા હતા અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યા અંગેનો ગુનો દાખલ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
મહત્વની બાબત છે કે ઘટના બાદથી રીક્ષા ચલાવતો નજમા સૈયદનો પતિ રીફાકટ અલી સૈયદ પોતાનો મોબાઈલ ઘરમાં જ પડતું મૂકી ગુમ હોય તે બાબત પણ ઘટના સ્થળે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી, જોકે સમગ્ર મામલે પતિ એ જ પત્નીની હત્યા કરી છે કે કેમ તે તમામ દિશમાં પોલીસ હાલ તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે હત્યાના બનાવો જાણે કે સામાન્ય બની ગયા હોય તેમ એક બાદ એક ઘટનાઓ ગણતરીના દિવસોમાં બની રહી છે ત્યારે ગુનેગારી તત્વોમાં કાયદાનો ખૌફ જ ન રહ્યો હોય તેવી બાબતો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.