પાલેજ । સાંપ્રત સમયમાં સમાજમાં અને ખાસ કરીને યુવાપેઢીમાં જેટ ઝડપે વધી રહેલા તમાકુના વ્યસનના દુષણને દુર કરી સમાજમાં જાગૃતિ લાવવાના હેતુસર ઠેર ઠેર શાળાઓમાં વ્યસન મુક્તિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત બુધવારના રોજ ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં અાવેલી પ્રાથમિક કુમાર શાળા ખાતે શાળા સંચાલકો દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે અાવકાર પ્રવચન શાળાના અાચાર્ય મહેબુબાઇ જેટે કર્યુ હતું. ત્યારબાદ સમારંભના અધ્યક્ષ અને મુખ્ય વક્તા ડૉ. મુઝમ્મિલ બોડાએ પોતાના વકતવ્યમાં વ્યસન મુક્તિ વિશે વિસ્તૃત છણાવટ સાથે સમજાવતા જણાવ્યું હતું કે બાળકોને કુમળી વયે પડતી તમાકુના વ્યસનની ટેવ અાગળ જતા બાળકને તો સંકટમાં મુકે જ છે પણ સાથે સાથે પરિવારને પણ બરબાદ કરે છે. વ્યસનથી બાળકોમાં કુપોષણ ઉદભવે છે. જે અાગળ જતા બાળકના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શાળા સંકુલ નજીક થઇ રહેલા ગુટખાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દઇ બાળકોના સ્વાસ્થ્યને થતા નુકસાનને અટકાવવા ખાસ અનુરોધ કર્યો હતો. શાળાના બાળકોને વ્યસન મુક્તિ માટે શપથ લેવડાવ્યા હતા.અા પ્રસંગે પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર ટંકારીયાના સુપરવાઇઝર ઇલ્યાસ વાય. તલાટી, શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…