કુદરતી વાતાવરણ અને સુંદરતાનું નજરાણું ચોમાસાની ઋતુમાં જોવા મળતું હોય તો તે અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે, ચોમાસાની ઋતુમાં આ વિસ્તારો જાણે કે સોળે કળાએ ખીલી ઉઠે છે, ડુંગર પર સુંદર ઝુંપડા અને ઝરમર વરસાદી માહોલ વચ્ચે વૃક્ષોની લીલીછમ ચાદર અને ડુંગરોના કોટરોમાંથી વહેતા વરસાદી નીર અહીંયા આવતા પ્રવાસી માટે આકર્ષણ ઉભું કરે છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક એવા અંતરિયાળ વિસ્તાર છે જે ચોમાસાની ઋતુમાં હરવા ફરવા માટે અને શાંત વાતાવરણમાં માનસિક તણાવને દૂર કરવા માટે પ્રવાસીઓ માટેની પહેલી પસંદ બને છે, એ જ પ્રકારનું એક સ્થાન છે નેત્રંગ તાલુકામાં આવેલું થવા ગામ નજીકનું ધાણીખૂંટ ગામ જ્યાં ધારીયા ધોધમાં વરસાદી માહોલ વચ્ચે નવા નીર આવવાની શરૂઆત થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ધારીયા ધોધ ખાતે વરસાદી ઋતુમાં કોતરોમાંથી ઉભરાતા નીર સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, વર્ષાઋતુમાં આ કુદરતી નજારો જોવા હજારો લોકો અહીંયા ઉમટી પડતા હોય છે, પંરતુ હાલમાં વરસાદી માહોલ અંતરિયાળ વિસ્તારોમાં જોઈએ તેવો જામ્યો નથી જેથી ધારીયા ધોધમાં હજુ જોઈએ તેટવું પાણી આવ્યું નથી પંરતું છેલ્લા ૨ દિવસમાં ધીમેધીમે નવા જળ આવવાની શરૂઆત થતા સ્થાનિકોમાં આનંદ છવાયો છે.
સ્થાનિકોનું માનવું છે કે આગામી ૧૦ દિવસોમાં આ ધોધ ફરી સક્રિય થઇ જશે અને કોરોના લોકડાઉનના લાંબા ગાળા બાદ આ વર્ષે તેને જોવા માટે ઉમટી પડશે જેથી ફરીથી આ વિસ્તાર પ્રવાસીઓની અવરજવરના કારણે ધમધમતો થશે અને સ્થાનિકોને રોજીરોટી માટેનો અવસર પણ પ્રાપ્ત થશે તેવી આશ લોકો ચાતક નજરે લગાવી બેઠા છે.