છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના મહામારીએ આતંક મચાવ્યો હતો જેને ઓગલે સરકારી દ્વારા જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના કેસમાં જંગી ઘટાડો થવા પામ્યો છે અને હવે આંકડો નહિવતને બરાબર છે ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે બધું ખુલ્લું કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાનું સુપ્રસિદ્ધ વિશ્વ શાંતિ ઓસારા મંદિર પણ બંધ રહેતા ભક્તો મંદિરના પ્રવેશ દ્વાર નજીકથી જ દર્શન કરી વિલા મોઢે પરત ફરતા હતા. જોકે, હવે કોરોના નહીવત થતાં જ મંદિર ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા છે, ત્યારે પ્રથમ દિવસે જ ભક્તોએ સરકારની ગાઈડલાઈનના પાલન સાથે ઓસારા સ્થિત વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 થી 7 કિલોમીટરના અંતરે આવેલ ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું મંદિર સમગ્ર ગુજરાતના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો પગપાળા પણ દર્શન અર્થે અહી આવતા હોય છે. પરંતુ ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થતા તમામ મંદિરો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના નહીવત થતાં સરકાર દ્વારા મંદિરોને પુનઃ દર્શન અર્થે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
જેમાં સૌપ્રથમ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોને મંદિરના પ્રવેશ દ્વાર નજીક હાથ સેનેટાઇઝ કરાવી માસ્ક ન હોય તો માસ્ક આપી તેઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મંદિર પરિસરમાં પણ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તોને દર્શન કરવા માટે અપીલ કરાઈ હતી.
રિધ્ધી પંચાલ, ભરુચ.