રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલા મહાઅભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં શહેરના ઓમકારનાથ ઠાકુર ભવનમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, પ્રજાજનોએ સમાજમાં જે જુની માન્યતાઓ છે તેમાંથી બહાર આવીને કોરોનાની વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, કોરોના વેક્સીન મહાઅભિયાનની સાથોસાથ આજે વિશ્વમાં યોગ દિવસ નિમિત્તે જણાવ્યું કે, વેક્સીન તો જરૂરી છે તેની સાથે રોગોથી બચવા યોગાસનો કરવા પણ જરૂરી છે જેથી શારિરીક તેમજ માનસિક બિમારીઓથી બચી શકાય છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી પ્રજાપતિ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, આરોગ્ય વિભાગના કર્મચારી અને પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ સ્વાગત પ્રવચનમાં વેક્સીનની અને તેના મહાઅભિયાન અંગેની વિગતવાર આંકડાકીય માહિતી આપી હતી. અંતમાં આભારદર્શન તાલુકા હેલ્થ અધિકારીએ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી વેક્સીનેશન મહાઅભિયાન જિલ્લામાં ૧૪૩ કેન્દ્રો પર પ્રારંભ થઈ રહ્યો છે આ પૈકીના જિલ્લાના ૨૫ કેન્દ્રો પર મહાનુભાવો-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોરોના જાગૃતિ અંગે તેની વેક્સીન લેવા અંગે ફિલ્મ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવોએ ઓમકારનાથ હોલ ખાતેના વેક્સીનેશન બુથની મુલાકાત લઈ વેક્સીનેશન લેનારને પ્રોત્સાહિત કર્યા હતા.