સમગ્ર ભરૂચ જિલ્લામાં આજ રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી શ્રધ્ધા અને ભક્તિભાવના વાતાવરણમાં થઇ હતી. વહેલી સવારમાં શિવાલયો ખાતે ભક્તોની ભીડ જણાઈ હતી. ભક્તોએ ભગવાન ભોલેના દર્શન કરી દૂધ-પાણી અને અન્ય પ્રવાહી વસ્તુઓથી અભિષેક કર્યો હતો તેમજ બીલીપત્ર અને બીલી તેમજ અન્ય પૂજાપા વડે પૂજા અર્ચના કરી હતી. મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ઠેર ઠેર મહાદેવજીના મંદિર ખાતે ભજન, કીર્તન, યજ્ઞ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોપ્જાયા હતા ભરૂચમાં શક્તિનાથ તેમજ અન્ય સ્થાનકોએ બરફના શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા હતા.
આ વખતે ભરૂચ નગરમાં દાંડિયા બજાર, આચારજી, ધોળીકુઈ, જ્યોતિનગર, શક્તિનાથ, વેજલપુર વગેરે વિસ્તારમાં ખુબ ધામધૂમથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે ભક્તજનોએ ભાંગને પ્રસાદી રૂપે ગ્રહણ કરી હતી.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે મહાશિવરાત્રીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી દરેક શિવાલયો પર શિવભક્તોની લાંબી કતારો દર્શન કરવા માટે અને શિવજીને દૂધ-પાણી અને બીલીપત્ર ચડાવવામાં માટે શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડ્યાં હતા.
અંકલેશ્વરમાં આવેલ અંતરનાથ મહાદેવ મહાદેવ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં કરવામાં આવેલ છે અને આ અંતરનાથ મહાદેવ મંદિરના નામ પરથી અંકલેશ્વર શહેરનું નામ પડ્યું છે.