ભરૂચ શહેરમાં સીટી બસ સેવા ચાલુ કરવામાં આવતા જ રીક્ષા ચાલકો લાલઘૂમ બન્યા છે, કોરોના મહામારીના લોકડાઉન બાદથી આર્થિક તંગી અનુભવતા રીક્ષા ચાલકો હવે તંત્ર પાસે સીટી બસ સેવાને લઇ રજુઆત કરવા માટે પહોંચી રહ્યા છે.
રીક્ષા એસોસિએશનના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયેલા રીક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી, અને રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે રીક્ષા ચાલકો ટ્રાફિકને અડચણ રૂપ હોય તો પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ સીટી બસો મન ફાવે ત્યાં ટ્રાફિકને અડચણ થઇ રસ્તે ઉભેલા પેસેન્જરોને જે-તે સ્થાનેથી બેસાડી લે છે જેના કારણે રીક્ષા ચાલકોને આર્થિક રીતે ભારે ફટકો પડી રહ્યો છે.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રીક્ષા ચાલકો સીટી બસનો વિરોધ નથી કરતા પરંતુ જે-તે બસ સ્ટેન્ડ પરથી જ પેસેન્જરોને બેસાડવામાં આવે તે પ્રકારની સૂચના બસના સંચાલકોને આપવી જોઈએ જેથી રીક્ષા ચાલકોની પણ રોજી રોટી ચાલતી રહે અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો તંત્ર રીક્ષા ચાલાકોની રજુઆત ધ્યાન ઉપર નહિ લે તો તેઓ પરિવાર સાથે રસ્તા ઉપર ઉતરી આવી બેસી જઈશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.