અંકલેશ્વરની ગડખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક મેડિકલની ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જીલ્લામાં બોગસ તબીબોનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે પોલીસે અંકલેશ્વરમાંથી વધુ એક બોગસ તબીબની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક એક ઈસમ મેડિકલની કોઈ પણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોને દવા આપી તેઓની જિંદગી જીખમમાં મૂકી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડી ૐ સાંઇ રેસિડન્સીની એક દુકાનમા દરોડા પાડી બોગસ તબીબ અને મૂળ પશ્વિમ બંગાળના રહેવાસી સુખેન બિસ્વાનની ધરપકડ કરી હતી.
આરોપી મેડિક્લની ડિગ્રી વગર દર્દીઓને એલોપેથી દવા આપતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી દવા સહિત રૂપિયા ૧૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભરૂચ પોલીસે જિલ્લામાંથી તબક્કાવાર ૧૫ થી વધુ બોગસ તબીબની ધરપકડ કરી હતી.