ભરૂચ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગુરૂવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. આજરોજ ભરૂચ જિલ્લામાં વરસાદના આગમનથી લોકો હરખાયાં છે. ભરૂચ જિલ્લામાં હાંસોટ, પાલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો વર્ષારાણીના આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યાં છેલ્લાં 15 દિવસમાં બે થી ત્રણ વાર છુટાછવાયા સામાન્ય ઝાપટાં બાદ વરસાદના કોઇ અણસાર ન હતાં. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ હતી.
શહેરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં મોસમના પહેલાં વરસાદમાં નાના ભુલકાઓએ ન્હાવાની મજા માણી હતી. ભરૂચ જિલ્લામાં હાંસોટ પંથકમાં સવારે 8 થી 10 માં 18 એમ.એમ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સામાન્યત: 22 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસુ સપ્તાહ પહેલાં શરૂ થયું હોવાનું લાગી રહ્યું છે. જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં જિલ્લાના ખેડૂતો ખેતરોમાં વાવણી પહેલાં જમીન ખેડવાની કવાયતમાં જોતરાઇ ગયાં છે. ચોમાસાના શરૂઆતના તબક્કામાં થયેલાં વરસાદ બાદ ખેડૂતો વાવણી કરશે.
રિધ્ધી પંચાલ, ભરૂચ